જો ૫૦ લોકોનું ગ્રુપ હોય તો તેમના માટે અલગ બસ ફાળવવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે
Rajkot,તા.૨૪
રાજકોટ એસટી વિભાગ દ્વારા શિવરાત્રીના મેળા અને સોમનાથ મહોત્સવમાં ભાગ લેવા માટે જઈ રહેલા યાત્રાળુઓ માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મુસાફરોને સુવિધા મળે અને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ૫૦થી વધુ એસટી બસો ફાળવવામાં આવી છે. આ બસ સેવાઓ ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરો સરળતાથી યાત્રા કરી શકે.
રાજકોટ એસ.ટી. વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી. ડાંગરના જણાવ્યા અનુસાર, શિવરાત્રીના મેળામાં જવા ઇચ્છુક લોકો માટે જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રી નિમિત્તે યોજાયેલા મેળામાં લાખો યાત્રાળુઓ જોડાતા હોય છે, અને તેહેવારો દરમિયાન સુગમ પરિવહન સુવિધા પૂરી પાડવા માટે એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા તરીકે, જો ૫૦ લોકોનું ગ્રુપ હોય તો તેમના માટે અલગ બસ ફાળવવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અગાઉના વર્ષમાં એસટી વિભાગને શિવરાત્રીના મેળા દરમિયાન ૩૫ લાખથી વધુની આવક થઈ હતી. આ વર્ષે પણ વધુ યાત્રાળુઓની સંખ્યા હોવાથી નફો વધવાની શક્યતા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે વિશેષ સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તહેવારમાં સોમનાથમાં ભક્તો માટે સંગમ સ્નાનનું વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે, જે યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રૂપે મહત્વ ધરાવતી આ યાત્રાને વધુ સરળ બનાવવા માટે એસટી વિભાગ દ્વારા વધુ બસોની વ્યવસ્થા કરાઈ છે. જેથી મુસાફરો માટે આ આયોજન ખૂબ જ લાભદાયી સાબિત થશે. સતત બસ ઉપલબ્ધ હોવાથી ભક્તોને અને પ્રવાસીઓને કોઈપણ પરેશાનીનો સામનો કરવો નહીં પડે. આ બસ સેવા દ્વારા મુસાફરો શાંતિપૂર્ણ અને સરળ યાત્રાનો આનંદ માણી શકે છે.