Maharashtra,તા.01
મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં સ્થિત સમૃધ્ધિ એકસપ્રેસ-વે પર પડેલા ટ્રેલરના દરવાજાના કારણે 40થી વધુ વાહનોના ટાયરમાં પંક્ચર પડતા 150થી વધુ લોકો હાઇવે પર જ ફસાઇ ગયા હતા.
આ ચોંકાવનારા કિસ્સાથી ધોરી માર્ગ પર સુરક્ષાના ધોરણો વિશે પણ સવાલ ઉઠયા છે. ટ્રેલરના દરવાજાના લોખંડ-પતરા એકસપ્રેસ-વે પર વેરાયેલા હતા અને તેના પરથી વાહન પસાર થતા જ ટાયરમાં પંક્ચર પડી જતા હતા.
પોલીસે કહ્યું કે, ટ્રેલરનો પાછળનો દરવાજો તૂટીને રોડ પર પડી ગયો હતો અને તેના પરથી અન્ય વાહનો પસાર થતા તેના ટાયર ફાટી ગયા હતા. આ બનાવની જાણ થતા ક્રેઇન મોકલીને હાઇવે પરથી દરવાજો ઉતરાવી દેવામાં આવ્યો હતો.
સમૃધ્ધિ એકસપ્રેસ-વે પર 80 થી 100 કિ.મી. કે તેથી વધુની ઝડપે વાહનો પસાર થતા હોય છે અને તેના કારણે 40 જેટલા વાહનોના ટાયર ફાટી ગયા હતા. 150થી વધુ લોકો કલાકો સુધી હાઇવે પર અટવાઇ ગયા હતા.
ખાધાપીધા વિના ટળવળવું પડયું હતું. હાઇવે પર કોઇ કારીગરો પણ નહીં મળતા હાલત કફોડી બની હતી. સોશ્યલ મીડિયા પર સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.