Surat , તા.26
સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ ગુરૂવારથી થોડો ધીમો થયો છે. જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ખાડી પૂર ઘૂસી ગયા હતા. ગઈકાલે વરસાદે પોરો ખાતે ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચી આવી છે. પરંતુ ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે આજે પણ શહેરના સણીયા હેમાદ, મીઠીખાડી, કુંભારીયા ગામમાં સતત છઠ્ઠા દિવસે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તેથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.
સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડી પૂર આવી ગયા હતા. સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા એ અને બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા. ગઇકાલે સાંજથી જિલ્લામાં વરસાદનું જોર ઘટી જતાં ગુરૂવારે મોડી રાત્રિ સુધીમાં તમામ ખાડીઓ ડેન્જર લેવલથી નીચે આવી ગઈ હતી. જોકે, હજી પણ ખાડીઓ છલોછલ છે અને તેના કારણે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી જોવા મળી રહ્યા છે.
ખાડી પૂરના કારણે સૌથી વધુ અસર સણીયા હેમાદ અને કુંભારીયા ગામ સાથે મીઠી ખાડી વિસ્તારમાં લોકોને થઈ હતી. આજે છઠ્ઠા દિવસે પણ સણીયા હેમાદ, મીઠીખાડી અને કુંભારીયા ગામમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. સતત છ દિવસથી લોકોના ઘરમાં અને સોસાયટીની ફરતે પાણી હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.