જો તમે પણ વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) અંતર્ગત રોકાણ કરી રહ્યા છો, તો તમારા માટે આનંદના સમાચાર છે. સરકાર ઈપીએફઓ અંતર્ગત VPF માં ટેક્સ ફ્રી વ્યાજની મર્યાદા 1.5 લાખથી વધારવા વિચારી રહી છે. હાલ ઈપીએફની જેમ 1.5 લાખ સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ લાગુ નથી. શ્રમ અને રોજગાર મંત્રાલય આ મામલે વિચારણા કરી રહ્યું છે.
આગામી વર્ષે આ મુદ્દો ઉઠાવાશે
નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં વોલેન્ટરી પ્રોવડિન્ટ ફંડમાં ટેક્સ ફી વ્યાજની મર્યાદા વધારવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ફંડમાં રોકાણકારોને આકર્ષિત કરવાના હેતુ સાથે ટેક્સ ફ્રી કમાણી મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. સરકાર ઇપીએફમાં બને તેટલી વધુ રકમ જમા કરાવી ખાસ કરીને મધ્યમવર્ગના લોકોને ભવિષ્યમાં નિવૃત્તિ સમયે મોટી અને પર્યાપ્ત મૂડી ઉભી કરી આપવાના ઉદ્દેશ સાથે VPF ને વધુ સરળ બનાવવા વિચારી રહી છે.
અગાઉ, સરકારે EPFમાં જમા રકમ પર 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ ટેક્સ ફ્રી કર્યું હતું. આનાથી વધુ મળેલા વ્યાજ પર ટેક્સ ભરવો પડે છે.
VPFમાં રોકાણ કરવાથી કર લાભ
સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે વધારાની વ્યાજની આવક પર ટેક્સ લાદી શકાય. આ નિયમ એવા લોકો માટે હતો જેમનો પગાર વધારે છે અને તેઓ EPFમાં વધુ પૈસા જમા કરાવે છે જેથી ટેક્સથી બચી શકે. એ જ રીતે VPFમાં જમા થયેલી રકમ અને તેના પર મળતું વ્યાજ તમે જ્યારે ઉપાડો ત્યારે તમને મળતાં 1.5 લાખ સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
શું છે VPF?
વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ એ ઈપીએફઓની વૈકલ્પિક રોકાણ સ્કીમ છે. જેમાં પગારદારોએ ફરિજ્યાતપણે પોતાના પગારનો અમુક ચોક્કસ હિસ્સો ફાળવવો પડતો નથી. તેઓ પોતાની મરજી મુજબ તેમાં રોકાણ કરી શકે છે. જો કે, તમામ લાભો ઈપીએફઓની પીએફ સ્કીમ સમકક્ષ હોય છે. જેમાં હાલ 8.1 ટકા વ્યાજ મળે છે. રિટાયરમેન્ટ માટે વધુ અને સુરક્ષિત ફંડની જોગવાઈ કરવા ઈચ્છુકો પ્રોવિડન્ટ ફંડમાં પગારનો 100 ટકા સુધીનો હિસ્સો તેમાં વૈકલ્પિક ધોરણે ફાળવી શકે છે. જેમાં પીએફ સ્કીમની જેમ રૂ. 1.5 લાખ સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.