Mumbai,તા.૧૫
કંગના રનૌત દ્વારા નિર્દેશિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ’ઇમર્જન્સી’ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા કંગના માટે આ એક મોટો આંચકો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વર્તમાન તણાવપૂર્ણ સંબંધોને કારણે પાડોશી દેશે આ નિર્ણય લીધો છે. ફિલ્મ ’ઇમરજન્સી’ ૧૯૭૫માં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા ભારતમાં જાહેર કરાયેલી કટોકટી પર આધારિત છે.
મામલા સાથે જોડાયેલા એક સૂત્ર અનુસાર બાંગ્લાદેશમાં ઈમરજન્સીનું સ્ક્રીનિંગ રોકવાનો નિર્ણય ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્તમાન તણાવપૂર્ણ સંબંધોથી જોડાયેલો છે. આ પ્રતિબંધ ફિલ્મની થીમથી ઓછો અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવપૂર્ણ સંબંધોને કારણે છે.
ઈમરજન્સી ૧૯૭૧ના બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીય સેના અને ઈન્દિરા ગાંધી સરકારની ભૂમિકા તથા શેક મુઝીબુર્રહમાનને આપેલા સમર્થનને દેખાડવામાં આવ્યું છ, જેમને બાંગ્લાદેશના જનક કહેવામાં આવે છે.
ફિલ્મમાં બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા મુઝીબુર્રહમાનની હત્યાને પણ દેખાડવામાં આવી છે, તે કારણે માનવામાં આવે છે કે બાંગ્લાદેશે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના સિનેમાઘરોમાં ઈમરજન્સી ત્રણ દિવસમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થનારી ઈમરજન્સી ભારતીય ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના પ્રદર્શિત કરે છે.
પાડોશી દેશ બાંગ્લાદેશમાં પ્રતિબંધનો સામનો કરી રહેલી ભારતીય ફિલ્મોની યાદીમાં ’ઇમરજન્સી’ એકલી નથી. અગાઉ, ’પુષ્પા ૨’ અને ’ભૂલ ભૂલૈયા ૩’ જેવી ફિલ્મોને પણ બાંગ્લાદેશમાં રિલીઝ થતી અટકાવી દેવામાં આવી હતી. કંગના આ ફિલ્મને લઈને સતત ચર્ચામાં છે. દરરોજ તે કોઈ ને કોઈ નિવેદન આપતી રહે છે.