તંત્રી લેખ…દેશ ધર્મશાળા નથી

Share:

અમેરિકા સહિત દુનિયાભરમાં જ્યારે ગેરકાયદે પ્રવાસીને લઈને ચર્ચા ગરમ છે અને દરેક દેશ પોતાને ત્યાં રહેતા ગેરકાયદે નાગરિકોને હાંકી કાઢવા માટે પ્રયાસરત છે, ત્યારે ભારતમાં પ્રવાસન નીતિને લઈને વિધેયક પર ચર્ચા ધ્યાન ખેંચનારી રહી. આઝાદી બાદથી ભારત બહારથી આવનારા લોકો માટે આ દેશ ધર્મશાળા જેવો બની રહ્યો. તેનું કારણ છે કે ભારતથી અલગ થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ ઉપરાંત પડોશી નેપાળ, ભુટાન, મ્યાંમાર, શ્રીલંકા, અફઘાનિસ્તાનથી લોકો ભારત આવીને રહેતા-વસતા રહ્યા. ભારત બહારના નાગરિકો માટે એક સુરિક્ષત દેશ રહ્યો છે, પરંતુ આજે સ્થિતિ બદલાઈ રહી છે. ખોટી દાનતથી આવનારા પ્રવાસી, ગેરકાયદે નાગરિકો ભારત માટે સમસ્યા બનતા જાય છે. ભારતની ડેમોગ્રાફીમાં બદલાવની દાનતથી, આતંકવાદ, ઉપદ્રવ, અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી લોકો આવવા લાગ્યા છે, જે ભારત માટે ચિંતાની વાત છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ‘આપ્રવાસ અને વિદેશીઓ વિષયક વિધેયક, ૨૦૨૫’ પર ચર્ચા દરમ્યાન જવાબમાં બે સ્પષ્ટ સંદેશ આપ્યા છે કે ‘ભારત કોઈ ધર્મશાળા નથી કે ગમે તે અહીં આવીને રહી જાય, અશાંતિ માટે આવનારા લોકો સામે સરકાર કઠોરતા રાખશે.’

જોવામાં આવ્યું છે કે દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા આતંકવાદ, હિંસા, ડ્રગ્સ તસ્કરી વગેરેમાં સંડોવાયેલા રહે છે, જે દેશની શાંતિમાં ખલેલનું કારણ બની રહ્યા છે. ભારત સરકારની પ્રવાસન નીતિ કઠોરતા અને કરુણાનું મિશ્રણ છે. નવા વિધેયકમાં જોગવાઇ છે કે ભારતમાં વેપાર, શિક્ષણ અને શોધ માટે આવનાર લોકોનું સ્વાગત થશે, પરંતુ ખોટા ઉદ્દેશ્યથી અને અશાંતિ ફેલાવવાના મનસૂબા સાથે દાખલ થનારાઓ સામે કઠોરતા રાખવામાં આવશે.શાંતિ અને સુરક્ષા માટે આ નીતિ જરૂરી છે. ભારતમાં કોણ આવે છે અને કેટલાય સમય માટે ાવે છે, દેશની સુરક્ષા માટે સરકારને એ જાણવાનો અધિકાર છે. દુનિયાના તમામ દેશોમાં બહારતી આવનારા લોકો માટે કઠોર નિયમ છે. ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે, જે સકારાત્મક છે. ભારતે અત્યાર સુધી શરણાર્થી સંબંધી આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. તેની પાછળ સરકારની દલીલ છે કે પાંચ હજાર વર્ષથી પ્રવાસીઓ વિશે ભારતનો ટ્રેક રેકોર્ડ બેદાગ રહ્યો છે અને દેશને કોઈ શરણાર્થી નીતિની જરૂર નથી. ભારતનો શરણાર્થીઓ પ્રત્યે એક ઇતિહાસ રહ્યો છે. પારસી ભારતમાં આવ્યા. ઇઝરાયલથી યહૂદી ભારતમાં આવી રહ્યા છે. કાળક્રમમાં અનેક લોકો વસવાની દૃષ્ટિએ આવ્યા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે, અશાંતિ ફેલાવનારાં તત્ત્વોને રોકવાં જરૂરી છે. આખી દુનિયાના અર્થતંત્રની યાદીમાં ભારત એક ‘બ્રાઇટ સ્પોટ’ બનીને ઉભર્યં છે, એક વિનિર્માણ કેન્દ્ર બનીને ઉભર્યું છે અને એવામાં દેશમાં આવનારા લોકોની સંખ્યા વધશે. ભારતના વિકાસમાં યોગદાન કરવા માટે આવનારા દેશ માટે ઉપયોગી ગણાશે, પરંતુ અસ્થિરતા અને અશાંતિ ફેલાવવા કોઇ આવશે તો તેમને કઠોરતાથી કચડી નાખવા જરૂરી છે. બાંગ્લાદેશ અને રોહિંગ્યા ઘૂસણખોરો કઈ રીતે સરકાર માટે સંકટ બન્યા છે તે કોઈથી છૂપું નથી. ભારત છ પડોશી દેશોના પ્રતાડિત લોકોને નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના માધ્યમથી નાગરિકતા આપી રહ્યું છે. ભારતને એક સુરિક્ષત અને નાગરિક વિનિયમન રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવું જરૂરી છે. નાગરિકતાને લઈને ભારતની સોફ્ટ પાવર છબિને બદલીને કઠોર નિરીક્ષણ સાથે નિયમ આધારિત બનાવવી જ જોઇએ. નાગરિકતા પર રાજનીતિ ન થવી જોઇએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *