અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ટેરિફ વોર શરૂ કરી જ દીધી. તેમણે પહેલાં આપેલી પોતાની ચેતવણી અનુસાર કેનેડા, મેક્સિકો અને ચીનથી આયાતી સામગ્રી પર આયાત શુલ્ક વધારી દીધી. જ્યાં કેનેડા અને મેક્સિકો પર ૨૫-૨૫ ટકા આયાત શુલ્ક લગાવવામાં આવી, જ્યારે ચીન પર ૧૦ ટકા લાદવામાં આવી. એ ઉલ્લેખનીય છે કે તેમણે કેનેડા અને મેક્સિકોની તુલનામાં ચીન પર થોડી નરમાશ રાખી. આ નરમાશ એટલા માટે થોડી ગૂંચવી રહી છે કારણ કે ચીન તો અમેરિકાનું ચિર પ્રતિદ્વંદ્વી છે અને તેના વર્ચસ્વને ઘટાડવા માગે છે, જ્યારે કેનેડા અને મેક્સિકો તો અમેરિકાના પડોશી છે. એમાં પણ કેનેડા અમેરિકાનું ખાસ સહયોગી રહ્યું છે. સ્પષ્ટ છે કે ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવાના પોતાના અભિયાન અંતર્ગત નજીકના સહયોગીઓ પર પણ કોઈ કૃપા દેખાડવા માટે તૈયાર નથી, પરંતુ તેમાં શંકા છે કે ટ્રમ્પે જે ટેરિફ વોર શરૂ કરી છે, તેને અમેરિકાને લાભ જ થશે. ભરપૂર અણસાર એવા છે કે તેનાથી અમેરિકાને નુક્સાન પણ જઈ શકે છે, કારણ કે હવે કેનેડા, મેક્સિકો અને ચીનથી આવનારો સામાન મોંઘો થઈ જશે અને તેનાં દુષ્પરિણામ અમેરિકી જનતાએ ભોગવવાં પડશે.
આશ્ચર્ય નહીં કે ટ્રમ્પના નિર્ણયના જવાબમાં કેનેડાએ પણ અમેરિકી આયાત પર વધારાનો કર લાદવાનો નિર્ણય કર્યો છે અને મેક્સિકો તથા ચીને પણ જવાબી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. બની શકે કે આગળ જઈને અમેરિકી રાષ્ટ્રપતિ આ ત્રણયે દેશો સાથે પોતાના મનમાફક સમજૂતી કરવામાં સફળ થઈ જાય, પરંતુ ભારતે સતર્ક થઈ જવું જોઇએ, કારણ કે તેઓ ભારતને ટેરિફ કિંગ કહેતા રહ્યા છે. ગત દિવસોમાં બજેટ દ્વારા નાણાં મંત્રીએ આયાતી મોટરસાયકલો અને અન્ય વાહનો પર આયાત શુલ્ક ઘટાડી છે, પરંતુ જોવાનું એ રહેશે કે ટ્રમ્પ એટલાથી સંતુષ્ટ થાય ચે કે નહીં. કારણ કે આગામી થોડા દિવસોમાં ભારતીય વડાપ્રધાનનો અમેરિકાનો પ્રવાસ સંભવિત છે, તેથી એ આશા રાખવામાં આવે છે કે બંને દેશો વાતચીત દ્વારા કોઈ સહમતિ પર પહોંચી શકશે. ેજો ભારત અને અમેરિકા વચ્ચે આયાત શુલ્કને લઈને કોઈ સહમતિ બની જાય છે તો તેનાથી બંને દેશોને લાભ થશે. ભઆરતની કોશિશ વાતચીત દ્વારા સમસ્યાના સમાધાનની હોવી જોઇએ, પરંતુ વાત ત્યારે બનશે જ્યારે ટ્રમ્પ સમજશે કે તેઓ અમેરિકાને આગળ રાખવાના ચક્કરમાં અમેરિકી હિતોને જ નુક્સાન પહોંચાડવાની સાથે વિશ્વ વેપારમાં અસંતુલન પેદા કરવાનું કામ કરશે. અમેરિકા એક પ્રભાવશાળી રાષ્ટ્ર છે અને જો તે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા માગે છે તો તેણ એક જવાબદાર દેશની ભૂમિકાનું વહન કરવું પડશે. હાલમાં તો ટ્રમ્પ અહંકારનું પ્રદર્શન કરી રહ્યા છે. જો તેઓ એમ ઇચ્છતા હોય કે અમેરિકા ડોલરના પ્રભુત્વનો લાભ ઉઠાવતું રહે અને અન્ય દેશો પોતાના વેપારી હિતોની ચિંતા ન કરે તો તે સંભવ નથી.