એલન મસ્ક અને નરેન્દ્ર મોદીમાં એમ તો દેખીતી કોઈ સમાનતા નથી, માત્ર એક વાતે સમાનતા છે – તે ઓછા ખર્ચે વધુમાં વધુ ગવર્નન્સ. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ જવાબદાર સરકાર બનાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ જલ્દી તેમને ખબર પડી કે નોકરશાહી સામે શિંગડાં ભરાવવાને બદલે દેશને મજબૂત આર્થિક વિકાસના રસ્તે લઈ જવો સારી રણનીતિ છે. મોદીની હાલની અમેરિકી યાત્રામાં તેઓ એલન મસ્કને મળેલા. જો મોદી ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ની જેમ જ ‘મેક ઇન્ડિયા ગ્રેટ અગેન’નો નારો ઘડી શકે તો તેઓ મસ્કની કાર્યપ્રણાલી પર આંશિક રૂપે જ અમલ કેમ ન કરી શકે? રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન ટ્રમ્પે મસ્કના નેતૃત્વમાં સરકારી કુશળતા સાથે જોડાયેલા એક વિભાગની જાહેરાત કરી હતી, જેનું લ-ય ‘સરકારી નોકરશાહીને ખતમ કરવાનું, વિનિયમનમાં ઘટાડો કરવાનું, ખોટા ખર્ચા ઘટાડવાનું અને સંઘીય એજન્સીઓને પુનર્ગઠિત કરવાનું’ જણાવ્યું હતું.
હવે મસ્ક અમેરિકી નોકરશાહીની પાંખો કાપી રહ્યા છે. તેમનું લ-ય વાર્ષિક બે ટ્રિલિયન ડોલરની બચત કરવાનું છે, જે અમેરિકી પ્રશાસનના કુલ ખર્ચના ૨૮ ટકા છે. બે ટ્રિલિયન ડોલર ભારતના જીડીપીના લગભગ અડધા છે. સાત દાયકાથી પણ વધુ સમયમાં નિર્મિત નોકરશાહીના વિશાળ માળખાને તોડી પાડવું ભારતને પોષાય નહીં, પરંતુ મોદી અને તેમના સલાહકાર વોશિંગ્ટનના જરૂરી સંદેશને તો સમજી જ શકે છે. ભારતે વ્યાપક પ્રશાસનિક સુધારની જરૂર છે. વડાપ્રધાન સતત ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે બહેતર માહોલનો વાયદો કરતા રહ્યા છે. તેમની પ્રશાસનિક અને કાયદાકીય પહેલો છતાં આપણી કાર્યપાલિકા હજુ પણ ત્વરિત નિર્ણયોના રસ્તામાં સૌથી મોટી અડચણ છે. આઝાદી બાદ ભારતે નાનકડા મંત્રીમંડળ સાથે શરૂઆત કરી હતી. જવાહરલાલ નેહરનું ૧૪ સદસ્યોનું મંત્રીમંડળ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હતું, જેમાં કોઈ રાજ્યમંત્રી કે ઉપમંત્રી ન હતા. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના મંત્રીમંડળમાં ૧૩ કેબિનેટ મંત્રી, ૧૫ રાજ્યમંત્રી અને ૮ ઉપમંત્રી હતા.
મોરારજી દેસાઈની બિનકોંગ્રેસી સરકારમાં ૨૦ કેબિનેટ મંત્રી અને ૨૪ રાજ્યમંત્રી હતા. તેમના વડાપ્રધાન કાળમાં વાણિજ્ય, નાગરિક પૂરવઠા અને સહકારિતા જેવા કેટલાય મંત્રાલયોને એક જ મંત્રાલય અંતર્ગત રાખવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીએ વડાપ્રધાન બનતાં સર્વાધિક ૧૫ કેબિનેટ મંત્રી રાખ્યા અને અલગ ઊર્જા મંત્રાલય બનાવ્યું. મંત્રીમંડળનું પુનર્ગઠન કરતાં તેમણે માનવ સંસાધન નામે નવું મંત્રાલય બનાવ્યું. તેમના સમયે કોંગ્રેસના સાંસદોની સંખ્યા ૪૦૦ હતી, છતાં તેમણે કેબિનેટ મંત્રઓની સંખ્યા ન વધારી, જોકે તેમના મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ૪૯ થઈ ગઈ હતી. પીવી નરસિંહા રાવે પણ કેબિનેટ મંત્રીઓની સંખ્યા ૧૬ રાખી હતી, પરંતુ તેમણે સ્વતંત્ર પ્રભારવાળા ૧૩ રાજ્યમંત્રી રાખ્યા હતા. કુલ ૫૯ મંત્રીઓવાળું તેમનું મંત્રીમંડળ આઝાદ ભારતનું સૌથી મોટું મંત્રીમંડળ હતું. ગઠબંધન સરકારના દોરમાં વાજપેયીના કેબિનેટ મંત્રી ૨૯ થઈ ગયા, જ્યારે સ્વતંત્ર પ્રભારવાળા સાત રાજ્યમંત્રી અદ્ઘે ૩૪ ઉપમંત્રી હતા. મનમોહન સિંહ સમયે ૩૩ કેબિનેટ મંત્રી, સાત સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રી એ ૩૮ રાજ્યમંત્રી હતા. તેમના મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ૭૮ હતી.
રાજકીય પ્રબંધનમાં નિષ્ણાત નરેન્દ્ર મોદીએ આ પરિપાટીને તોડી નહીં. ૨૦૧૪માં તેમના મંત્રીમંડળમાં ૨૯ કેબિનેટ મંત્રી, પાંચ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રી અને ૩૬ રાજ્યમંત્રી હતા. મોદીનું મંત્રીમંડળ મોટું જ નહીં, પરંતુ અનેક મંત્રી કેટલાય મંત્રાલયોની જવાબદારી સંભાળી રહ્યા છે. જેમ કે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી ત્રણ મંત્રીઓની પાસે છે – વાણિજ્ય જોનારા એક કેબિનેટ મંત્રી, જ્યારે ભારે ઉદ્યોગ અને લઘુ તથા મધ્યમ ઉદ્યમ માટે બે કેબિનેટ મંત્રી. આ ત્રણેય કેબિનેટ મંત્રીઓને આધીન કેટલાય રાજ્યમંત્રી પણ છે. એવી જ રીતે ટેક્નોલોજી સાથે જોડાયેલા મુદ્દાઓની જવાબદારી ત્રણ કેબિનેટ મંત્રીઓ પાસે છે. અશ્વિની વૈષ્ણવ કેબિનેટ મંત્રી છે, જેમની પાસે રેલવે ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સની જવાબદારી છે.