આ તપાસ દરમિયાન અલગ-અલગ આરોપીઓ સુરત, પોરબંદર, વલસાડ અને દમણ ખાતેથી પકડવામાં આવ્યા છે.
Dwark,તા.૧૨
દ્વારકામાં સરકારી રેકોર્ડ સાથે ચેડા કરીને યુકેના વિઝા આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દ્વારકાના એસપી નિતેશ પાંડેએ મળેલી બાતમીના આધારે વિઝા કૌભાંડીઓ પર સકંજો કસ્યો હતો અને તેના મુખ્ય સૂત્રધાર દિલીપ મોઢવાડિયા સહિત તેના બીજા એજન્ટો એમ કુલ નવની વલસાડ, દમણ અને સુરતમાંથી ધરપકડ કરી હતી.
આ કૌભાંડીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે કૌભાંડીઓ સ્થાનિક તલાટીની મદદથી જન્મના દાખલાનો આખો રેકોર્ડ જ બદલી નાખતા હતા અને વ્યક્તિની અટક સુદ્ધા બદલી નાખતા હતા. તેના પછી તેઓ યુકેમાં રહેતા પોર્ટુગીઝનો સંપર્ક કરતા હતા અને તેની સાથે નાણાકીય લેવડદેવડ કરીને તે યુકેવાસીને અહીં યુકે જવા ઇચ્છુક વ્યક્તિના ગાર્ડિયન બનાવી દેતા હતા. આ રીતે વ્યક્તિ કાયદેસર યુ.કે. પહોંચી જતી હતી અને કોઇને ગંધ સુદ્ધા આવતી ન હતી. આ રીતે આખું કૌભાંડ ચાલતું હતું.
આ કૌભાંડ અંગે પોલીસ વડા અશોકકુમાર યાદવ અને એસપી નિતેશ પાંડેને બાતમી મળી હતી કે કેટલાક લોકો જન્મના સરકારી રેકર્ડ સાથે ચેડા કરી જૂની એન્ટ્રીઓ હટાવી દઈને નવી પણ ખોટી એન્ટ્રીઓ ઊભી કરે છે. આ ખોટી એન્ટ્રીઓના આધારે ગ્રામપંચાયતોના ઓનલાઇન વેબ પોર્ટલમાં જન્મના ખોટા પ્રમાણપત્રો ગુનાહિત હેતુઓ બનાવાઈ રહ્યા છે. તેના પગલે તેમણે દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયાને આ કેસની તપાસ સોંપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
તેમના આદેશના પગલે પી.સી. સીંગરખીયાએ આ કેસની તલસ્પર્શી હાથ ધરીને મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે આ કૌભાંડમાં ખોટી એન્ટ્રીઓના આધારે જન્મના બનાવટી દાખલા જારી કરનારા સરકારી કર્મચારી કમ તલાટીમંત્રી હાર્દિક ભીમશી રાવલિયાની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે તેણે પોરબંદર જિલ્લાના દિલીપ મોઢવાડિયાને જન્મના પ્રમાણપત્રો કાઢીને આપ્યા હતા. આના પગલે પોલીસે દિલીપ મોઢવાડિયાની ધરપકડ કરી હતી. તેની ધરપકડ સાથે જ બનાવટી પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસની સખ્તાઈના પગલે આરોપી પોપટની જેમ બધુ જ બોલી ગયો હતો. આરોપી એકદમ નવી જ મોડસ ઓપરેન્ડીથી ઓર્ગેનાઇઝ્ડ સિન્ડીકેટ ચલાવતો હતો. તેના આ કૌભાંડની ખાસિયત એ હતી કે તે યુકેમાં વસતા પોર્ટુગીઝ નાગરિકોની તલાશ કરતો હતો. તેની સાથે-સાથે ગેરકાયદેસર રીતે યુ.કે. જવા ઇચ્છુકને શોધતો હતો. યુ.કે.માં પોર્ટુગીઝ નાગરિકને શોધીને ગેરકાયદેસર જવા ઇચ્છુકની અટક યુકેમાં વસતા પોર્ટુગીઝ નાગરિક જેવી અટક કરી આપતો હતો. હવે કોઈને પણ થાય કે યુ.કે.માં વસતા પોર્ટુગીઝ નાગરિક સાથે શું નિસ્બત. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ભારત ૧૯૪૭માં આઝાદ થયું, પરંતુ દીવ,દમણ અને ગોવાને પોર્ટુગીઝોથી આઝાદી ૧૯૬૦માં મળી. તેના લીધે પોર્ટુગલ ૧૯૬૦ સુધી ત્યાં રહેલા લોકોને પોર્ટુગલ તેની નાગરિકતા આપતું હતું.
આ બાબતનો ફાયદો ઉઠાવીને કૌભાંડીઓ યુ.કે.માં વસતા પોર્ટુગીઝ નાગરિકને શોધીને તેને અમુક રકમ આપતા હતા. તેને પછી યુ.કે. જવા ઇચ્છુકના ગાર્ડિયન બનાવી દેવાતા હતા. તેની સાથે યુ.કે. જવા ઇચ્છુકની વય ૨૧થી ઓછી બતાવતા હતા. આ માટે તેઓ સ્થાનિક તલાટીને સાધીને વ્યક્તિના જન્મની તારીખ અને અટક બંને બદલાવી નાખતા હતા. આના માટે તેઓએ સુરત,વલસાડ, દમણ વગેરે સ્થળોએ એજન્ટો રાખ્યા હતા. પોલીસ પણ પાસપોર્ટ કૌભાંડની આ નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોંકી ગઈ હતી.
આ તપાસ દરમિયાન અલગ-અલગ આરોપીઓ સુરત, પોરબંદર, વલસાડ અને દમણ ખાતેથી પકડવામાં આવ્યા છે. તેમા સાઇબર કાફેના માલિકોની પણ સંડોવણી છે. આ કૌભાંડના માઇક્રો પ્લાનિંગને ધ્યાનમાં રાખતા પોલીસે તેની ટેકનિકલ ટીમને પણ કામે લગાડી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કૌભાંડનો વ્યાપ ફક્ત ગુજરાત પૂરતો જ મર્યાદિત નથી. યુ.કે., ઓસ્ટ્રેલિયા, રશિયા અને દુબઈ સુધી તેના તાર અડેલા છે. હવે દિલીપ મોઢવાડિયા સૂત્રધાર છે કે આખી ચેઇનની સાંકળનો એક હિસ્સો તે શોધવામાં પોલીસ લાગેલી છે.