કોલસા ભરેલા ડમ્પરે સ્પીડમાં ટર્ન લેતાં પલટી જઇને સામેથી આવતી બસ સાથે અથડાતાં બસ પણ ઊંધી વળી ગઈ
Surat, તા.૮
શહેરનાં છેવાડે ઔદ્યોગિક એકમોથી ધમધમતાં હજીરા ખાતે ગુરુવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા કોલસી ભરેલા ડમ્પરે સાયકલને બચાવવા સ્પીડમાં ટર્ન લેતા પલટી થઈ ગયું અને સામેથી આવતી આર્સેલર મિત્તલ સ્ટીલ કંપનીની બસ સાથે અથડાતા બસ પણ ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે ૩૯ કામદારોને ઈજા પહોંચતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાયકલ ચાલકને બચાવવા જતાં બેફામ દોડી રહેલા ડમ્પરે ખાનગી કંપનીની સ્ટાફ બસને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ (એએમએનએસ) ખાતે આજરોજ કામદારોને લઈને ખાનગી બસ જઈ રહી હતી. આ દરમિયાન ચાર રસ્તા પરથી પસાર થઈ રહેલા કપચી ભરેલા ડમ્પરના ચાલકે સાયકલ સવારને બચાવવાના ચક્કરમાં કાબુ ગુમાવી દીધો હતો. ડમ્પર ઊંધું વળી ગયું હતું અને સામેથી આવતી ખાનગી બસને જોરદાર ટક્કર લાગતાં બસ પણ પલ્ટી મારી ગઈ હતી. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે બસમાં સવાર ૫૦ જેટલા કામદારો પૈકી ૪૦ને નાની – મોટી ઈજા પહોંચી હતી. એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર ૨ પાસે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને કંપનીના કર્મચારીઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક બસમાંથી ઘાયલોને બહાર કાઢવાની સાથે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ગંભીર ઈજાને પગલે હજીરાના મોરા ગામે રહેતા ૫૧ વર્ષીય કામદાર સુર્યદેવ રામવૃક્ષ ભુયાનું મોત નિપજ્યું હતું, અન્ય તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. હાલ પોલીસે પ્રાથમિક ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.