Gujarat,તા.13
આગામી 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે જ પાંચ દિવસ સુધી ‘મિની વેકેશન’નો માહોલ જોવા મળશે. જેના પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધી ગયું છે જ્યારે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને 15 હજાર છે.
ઉજ્જેન, સોમનાથ પૂણે જવા ભારે ઘસારો
આગામી 15 ઓગસ્ટ માટે અમદાવાદથી મુંબઇની ડબલ ડેકર, વંદે ભારતમાં વેઇટિંગ 100થી વધારે છે. આ ઉપરાંત ઉજ્જૈન, સોમનાથ, પૂણે માટે પણ મુસાફરોનો ભારે ધસારો છે. ટ્રેનમાં ટિકિટ નહીં મળતાં અનેક લોકો બસના વિકલ્પ પર પસંદગી ઉતારી રહ્યા છે. 14 ઓગસ્ટ માટે બસનું મહત્તમ ભાડું અમદાવાદ-સોમનાથ માટે રૂપિયા 3 હજાર અમદાવાદ-ઉજ્જૈનનું ભાડું રૂપિયા 3500, અમદાવાદ-શીરડીનું ભાડું રૂપિયા 3 હજાર જેટલું છે. શ્રાવણ માસને પગલે ધાર્મિક સ્થળો તરફ વિશેષ ધસારો છે.
ગોવાનું એરફેર રૂપિયા 20 હજારને પાર જઈ શકે
અંબાજી, ચોટીલા, પાવાગઢ, દ્વારકામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદથી ગોવાનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં અઢી ગણું વધીને 15 હજાર થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીની રજાઓ વખતે અમદાવાદથી ગોવાનું એરફેર રૂપિયા 20 હજારને પાર જઈ શકે છે. આ સિવાય રજાઓમાં પોળો, ઉદયપુર, શ્રીનાથજી, માઉન્ટ આબુ, સાપુતારા પણ પ્રવાસીઓની પસંદગીના સ્થળોમાં સામેલ છે.