Los Angeles ,તા.૧૩
વિશ્વના લોકો ગત કેટલાક મહિનાઓથી ધરતીકંપના આંચકાઓથી ભયભીય છે. ગત દિવસે ફરી ભૂકંપના આંચકાથી દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એંજલેસ શહેર ધ્રૂજી ઉઠયું હતું. જેની રિકટર સ્કેલ ઉપર તીવ્રતા ૪.૭ નોંધાઈ હતી. અમેરિકાના અર્થક્વેક સરવે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર માલિબુ શહેરથી ચાર માઈલ દૂર ઉત્તર હતું. અને ધરતીથી આશરે સાત માઈલ ઉંડાણમાં નોંધાયું હતું.
ભૂકંપના આંચકા એટલા જોરદાર અનુભવાયા હતા કે ઓરેન્જ કાઉન્ટીથી ૪૫ માઈલ સુધી આનો અનુભવ થયો હતો. જો કે ભૂકંપથી કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા, પરંતુ માર્ગો પર મોટા-મોટા પથ્થરો પડયા હતા. લોકોએ ભૂકંપ પછી ડરામણા અનુભવ વર્ણવ્યા હતા. આ ઉપરાંત પોતાના અનુભવો સોશિયલ મીડિયા ઉપર પણ શેર કર્યા હતા. હોલિવૂડની જાણીતી હસ્તીઓએ ભૂકંપને લઈ પોતાની પ્રતિક્રિયાઓ ટિ્વટ કરી હતી.
મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાથી લોકોએ માલિબુ શહેરના માર્ગો પર પહાડો જેવડા મોટા-મોટા પથ્થરો પડયા હતા. આ ઉપરાંત લોકો ઘરબહાર દોડી ગયા હતા. ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે લોસ એંજેલસ શહેરના પૂર્વ દિશામાં ત્રણ મોટા જંગલ આગથી ભભૂકી ઉઠયા છે. આ આગને લીધે લોકોનાં ઘર સળગ્યા અને હજારો લોકોને પોતાના ઘર ખાલી કરી પલાયન થવાની નોબત આવી છે.