Surat,તા,10
હાલ રાજ્યમાં પવિત્ર તહેવાર નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન અકસ્માતોના કેસમાં પણ વધારો જોવા મળતો હોય છે. ત્યારે સુરતથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે દારૂના નશામાં ગાડી ચલાવીને ગરબામાં ઘુસાડી દીધી હતી. જેથી ગરબામાં મૂકેલા સ્પીકર, વાયરના રોલ અને ઓડી કારને નુકસાન પહોંચાડી ભાગી ગયો હતો. ત્યારે સ્થાનિકોએ કાર ચાલકને બે મિત્રો સાથે પકડી પાડ્યો હતો. ત્યાર રોષે ભરાયેલા ટોળાએ આ ત્રણેય મિત્રોને ફટકારી કારને આગ લગાવી દીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અલથાણ વિસ્તારમાં નોરતાના ટાળે એક કાર ચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી કારને ગરબા મંડળીમાં ઘુસાડી દેતાં અફરાતફરી મચી ગઇ હતી. કાર ચાલકે ગરબાના સ્થળે મૂકેલા સ્પીકર, વાયરના બંડલ સહિત ઓડી કારને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ કાર ચાલક અકસ્માત સર્જી પોતાના બે મિત્રો સાથે ઘટનાસ્થળેને નાસી છૂટ્યો હતો. જોકે સ્થાનિક રહીશોએ આ ત્રણેયને હાઇવે પરથી પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ કારને આગ ચાંપી દીધી હતી.
કાર ચાલક હર્ષલ પાટીલ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો દ્વારા હાથ સાફ કરવામાં આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદો લઇને સામસામે ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે હર્ષલ પાટીલ નામના વ્યક્તિને પોલીસ સ્ટેશને લાવી અને તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યું હતો.
આ મામલે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અકસ્માત સર્જનાર હર્ષલ પાટીલના સંબંધી પોલીસમાં હોવાથી તેને છોડી મુકવામાં આવ્યો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે જામીન લાયક ગુનો હોવાથી તેને છોડી મુકવામાં આવ્યો છે. સામાન્ય રીતે ડ્રીંક કરેલો વ્યક્તિ પકડાઇ તો તેને આખી રાત લોકઅપમાં રાખી છોડી મુકવામાં આવે છે.