શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? : Amit Shah

Share:

ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે : નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે : અમિત શાહ

Jammu, તા.૭

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, ’રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની સત્તા છે? મેં સંસદમાં કહ્યું છે કે ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.’

વિધાનસભા ચૂંટણીને પગલે અમિત શાહ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન જમ્મુમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, ’કલમ ૩૭૦ હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો વોટ આપવા જઈ રહ્યા છે. હું પોતાના કાર્યકર્તાઓને કહેવા ઇચ્છું છું કે તેઓ નક્કી કરે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ધ્વજના છાયડામાં વોટ આપવા જઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન હશે નહીં. ભાજપે જ આતંકીઓને વીણી વીણીને માર્યા અને વર્ષો પછી અમરનાથ યાત્રા મુક્ત વાતાવરણમાં યોજાઈ છે.’

ગૃહમંત્રીએ આગળ કહ્યું, ’હું ઇચ્છું છું કે તમે તમામ મતદાનના દિવસે સવારે ૧૧.૩૦ વાગ્યા પહેલાં મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે. તેઓ રાજૌરી અને પૂંછમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. અમે ઉપદ્રવીઓને જેલમાં નાખી દીધા છે. તેઓ ઇચ્છે છે કે એલઓસીની પાર વેપાર ફરીથી શરુ થાય તેનાથી કોને ફાયદો થશે? આપણે શાંતિ સ્થાપિત થવા સુધી પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં.’

અમિત શાહે એમ પણ કહ્યું કે, ’તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન રાખવા ઇચ્છે છે. શું તમે તેની પરવાનગી આપશો? ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા ઇચ્છે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઇચ્છે છે. હવે કોઈ પણ તાકાત જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત કરશે નહીં.’

રાહુલ ગાંધીએ ૪ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે ’૧૯૪૭ બાદ પહેલી વખત એક રાજ્ય પાસેથી તેના અધિકાર છીનવાઈ ગયા છે. માત્ર કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સની જ નહીં, દરેક નાગરિકની જવાબદારી છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ભાજપ-સંઘ કંઈ પણ કહે, અમે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમનો રાજ્યનો દરજ્જો પાછો આપવા જઈ રહ્યા છીએ.’

રાહુલે આગળ કહ્યું હતું, ’તમારું માત્ર સ્ટેટ છીનવાઈ ગયું નથી, તમારા અધિકાર, તમારું ધન પણ છીનવાઈ રહ્યું છે. ૧૯૪૭માં અમે રાજાઓને હટાવીને લોકતાંત્રિક સરકાર બનાવી. આજે જમ્મુ-કાશ્મીરમાં રાજા બેઠા છે. તેમનું નામ એલજી છે. ત્યાં એલજી ૨૧મી સદીના રાજા છે. તેઓ જે ઇચ્છે છે, તે કરે છે.

ત્યાંના લોકોને ન તો રોજગાર મળે છે અને ના કોઈ અન્ય લાભ. સરકાર આ બધું બહારના લોકોને આપે છે.’ આ તમામ વાતના અમિત શાહે જવાબ આપતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *