નવી દિલ્હી,તા.16
દિપાવલીનાં તહેવારો નજીક આવતા જ મોદી સરકારે કેન્દ્ર સરકારનાં લાખો કર્મચારીઓ તથા પેન્શનરોને ડીએ વધારો કરીને હેપ્પી દિપાવલી કર્યુ છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 3 % નો વધારો કરવામાં આવ્યો હતો જેથી હવે ડીએ વધીને 53% થયુ છે અને તે જુલાઈ 2024 થી અમલી બનશે જેથી હવે દિવાળીનાં પગાર સાથે આ ડીએ વધારો મળી જશે.
સરકાર દર વર્ષે બે વખત જાન્યુઆરી-જુન અને જુલાઈ-ડીસેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે અને હાલ 50% ના ધોરણે ડી.એ. મળે છે જે હવે 53 ટકા થઈ જશે જેનો લાભ કેન્દ્રનાં 1 કરોડ કર્મચારીઓ તથા પેન્શનરોને મળશે અને જુલાઈ-ડીસેમ્બરનાં છ માસ માટે આ વધારો અમલી રહેશે.
અગાઉ કેન્દ્ર સરકારે માર્ચ માસમાં ડી.એ.માં 4% નો વધારો કર્યો હતો કેન્દ્ર સરકારનાં કર્મચારીઓના બેઝીક પગારનાં આધારે ડીએ નિશ્ચિત થાય છે અને તે તેથી આ ડીએ વધારાથી કર્મચારીઓને બેઝીક પગારનાં 53% ડીએ મળશે અને ભવિષ્યમાં આ ડીએ 50 ટકાથી વધુ જાય તો મુળ પગારમાં એટલે કે બેઝીક પગારમાં ભેળવી દેવાની ફોર્મ્યુલા જેનો જોકે અમલ થશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી.
કેન્દ્રે ડીએ વધારતા હવે રાજય સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે ગુજરાતમાં હવે દિવાળી બાદ નવેમ્બરનાં પગારમાં તેની અસર આપવામાં આવે તેવી ધારણા છે અને કર્મચારીઓને એરીયર્સ મળશે.