ડીસા APMCના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સુપ્રીમની લપડાક

Share:

નાણાકીય ઉચાપત, જમીન ખરીદી જેવી ગેરરીતી આચરી

Disa,તા.૪

એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટયાર્ડના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોવાથી વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૪.૧૧ કરોડ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે ગોવાભાઇએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમા પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન રદ કરી ડીસા કોર્ટમાં થયેલ દાવો ચલાવવા માટે આદેશ કરતા સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે.

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને ડીસાના તત્કાલીન ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પોતાની આગળની ટર્મમાં ચેરમેન હતા તે દરમ્યાન વહીવટમાં નાણાકીય ઉચાપત, જમીન ખરીદી જેવી ગેરરીતી આચરી હતી. આથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયામક દ્વારા તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના હુકમથી તત્કાલીન ચેરમેન ગોવાભાઈ રબારીને રૂપિયા ૪,૧૧,૧૮,૫૫૩ની અંગત જવાબદારી નક્કી કરવામાં આવી હતી.

ત્યારબાદ નાણા વસુલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન જીલ્લા રજીસ્ટાર (સહકારી મંડળીઓ પાલનપુર બનાસકાઠા) ને અધિકૃત કરવામાં આવ્યાં હતાં. આથી તત્કાલીન જીલ્લા રજીસ્ટાર દ્વારા સરકાર તરફે ડીસા કોર્ટમાં સ્પેશ્યલ દાવો દાખલ કરાતાં તે દાવા સામે ગોવાભાઈ હાઇકોર્ટ ગયા હતા.ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ દાવો ચલાવવાના હુકમને માન્ય રાખતા તેઓ સુપ્રિમ કોર્ટેમાં ગયા હતા અને સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન દાખલ કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે તા.૨૭ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ ચેરમેન ગોવાભાઈ રબારી સામે દાખલ કરેલ રૂપિયા ૪,૧૧,૧૮,૫૫૩ ન ભરવાની પિટીશન રદ કરીને ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટના હુકમને બહાલ રાખતાં ગોવાભાઈની ચિતામાં વધારો થયો છે.

ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવા રબારી સામે એપીએમસીમાં પાચ થી છ કરોડની ઉચાપત, તેમજ ભીલડી જમીન પ્રકરણ સહિતના અનેક કૌભાંડ આચર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ પ્રકારના અનેક ભ્રષ્ટાચારોમાંથી નીકળવા ભાજપના વોશિંગ મશીનમાં પ્રવેશી ગયા પણ હવે ફસાઈ ગયા છે. ભાજપના જ આગેવાનો સવાલ ઉઠાવે છે કે છે કે ભાજપના આગેવાનો શા માટે કોંગ્રેસના આવા ભ્રષ્ટાચારીઓને ભાજપમાં લાવી પક્ષની આબરૂ બગાડતા હોય છે. ભાજપના કાર્યકરો આ પ્રકારના સમાચારોથી વ્યથિત થઈ કોંગ્રેસીઓને સ્વીકારતા નથી તે તાજેતરની લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું..

ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને તત્કાલીન કોંગ્રેસી નેતા ગોવાભાઈ રબારી એ ડીસા માર્કેટયાર્ડમાં ગેરરીતી આચરી હોવાથી ગુજરાત સરકાર દ્વારા ૪.૧૧ કરોડ વસુલ કરવા માટે ડીસા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેને સુપ્રિમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે ત્યારે ડીસા કોર્ટ માં આગામી ૧૨ સપ્ટેમ્બર ના રોજ તારીખ હોઈ ત્યારબાદ કોર્ટ નો શુ હુકમ થાય છે તે જોવાનું રહ્યું પંરતું સુપ્રીમ કોર્ટ એ દાવા અંગે ની પીટીશન કાઢી નાખતા હવે ગોવાભાઈ રબારી સામે ગાળીયો ફસાયો છે.

ગોવાભાઈ રબારીએ સુપ્રીમ કોર્ટેમાં દાખલ કરેલી પીટીશન સુપ્રિમ કોર્ટે રદ કરતા ગુજરાત હાઈકોર્ટના હુકમને માન્ય રાખી ગોવાભાઈ રબારીને રૂપિયા ૪,૧૧,૧૮,૫૫૩ ઉપરાંત વર્ષ ૨૦૧૫ થી આજ દિન સુધી વ્યાજ સહિત અંદાજીત આઠથી દસ કરોડ ભરવાની પણ નોબત આવી શકે તેમ છે.જોકે કોર્ટ માં દાવો ચાલ્યા બાદ કોર્ટ જૅ નિર્ણય લેશે ત્યારબાદ સમગ્ર વિગત બહાર આવશે. જાહેર સભા અને બેઠકો માં પોતે જોરશોરથી સ્વચ્છ છબી ધરાવતાં ભાષણો કરીને લોકોને ગેરમાર્ગે દોરતા નેતાજી ગોવાભાઈ રબારીને ગુજરાત સરકારે અગંત જવાબદારી ઠેરવતા નેતાજી ભરાઈ ગયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *