ઇડીના નામે વોટ્સએપ કોલ કરી, વોરંટ મોકલી કલાકો સુધી ધમકાવી નાણાં આરટીજીએસ મેળવી લીધા
Rajkot,તા.05
રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કારખાનેદાર પાસેથી 5.35 લાખ પડાવી લીધા હોવાનું ખુલ્યું છે. ઈડીના નામે વોટ્સએપ કોલ કરી 7 કલાક ડિજિટલ અરેસ્ટ રાખી,સાથે ફોટા વાળું વોરન્ટ પણ મોકલી કારખાનેદારને ડરાવી-ધમકાવી રૂ. 5.35 લાખ પડાવી લેવાના મામલામાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ ટીમે ઠગ ટોળકીના મુખ્ય ભેજાબાજ તેમજ એકાઉન્ટ હોલ્ડર સહીત પાંચ શખ્સોંને સકંજામાં લઇ લીધાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે તા.4/2/2025ની રાત્રે 8 વાગ્યે ડિજિટલ અરેસ્ટ કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી પ્રવિણભાઈ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ-47, રહે.કાલાવડ રોડ, સત્યસાઈ હોસ્પિટલ રોડ, પ્રધુમન પાર્ક, શેરી નં.4 રાજકોટ)એ પોતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી છે. તા.29/1/2025 ના રોજ કારખાના ઉપર હાજર હતો. દરમ્યાન સવારે 9:54 વાગ્યે મારા ફોનમાં વોટસએપ કોલ આવેલ હતો. જેમા સામેના માણસે તેની ઓળખાણ અરેસ્ટિંગ ઓફિસર નીરજ કુમાર, આસીસ્ટન્ટ ડિરેક્ટર, ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોરસમેન્ટ (ઈડી) મુંબઈ તરીકે ઓળખાણ આપી હતી. આ વ્યક્તિએ મને જણાવેલ કે તમારા નામે ઇસ્યુ થયેલ સિમકાર્ડ વાપરનાર વ્યક્તિએ તમારા નામે કેનેરા બેંકમાં ખાતું ખોલાવી ગેરકાયદેસર નાણાકિય વહિવટો કરેલા છે. જેને અમે પકડી લીધેલો છે અને હાલ અમારી કસ્ટડીમાં છે.
આ વ્યક્તિએ મારા નામે સીમકાર્ડ કઢાવી ગેરકાયદે નાણાકીય વહીવટ કર્યાનું જણાવી સામેની વ્યક્તિએ મને કાયદાકિય બાબતે ડરાવેલ અને મારા વોટસએપમાં મારા નામનું ફોટા સાથેનું ડીજીટલ અરેસ્ટ વોરંટ મોકલી તમને અરેસ્ટ કરવામાં આવેલ છે તેમ જણાવ્યુ હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અરેસ્ટ કર્યાનું જણાવતા હું ખુબ જ ગભરાઈ ગયેલ અને તેમના કહેવા મુજબ હુ કરવા લાગેલ હતો. વધુમાં પ્રવિણભાઈએ જણાવ્યું કે, આ વ્યક્તિએ આરટીજીએસથી મારા ખાતામાં રહેલ બધા પૈસા વેરિફિકેસન કરવા માટે તેમના ખાતામાં નાખવા જણાવેલ હતું જેના પગલે મે ઘરે કોઈને વાત કર્યા વિના ચેક બુક લઇ ઓઢવ, અમદાવાદ બ્રાન્ચના બેંક એકાઉન્ટમાં રૂ. 5.35 લાખ આરટીજીએસ મારફતે મોકલ્યા હતા. તમારા બેંન્ક એકાઉન્ટનું વેરીફિકેશન થઈ ગયેલ છે. અમારી કસ્ટડીમાં રહેલ વ્યક્તિ સાથે તમારે કોઈ પણ પ્રકારની લેતી-દેતી નથી. બાદ પોણા ચારેક વાગ્યે મારો મિત્ર સંજયભાઈ નારણભાઈ કોરાટ મારા ઘરે આવતા મેં આ બધી વાત કરતા તેમણે મને મારી સાથે છેતરપીંડી થયેલ એવુ જણાવેલ હતું જેથી મે આ સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં ફોન કરેલ પણ ફોન બંધ આવતા ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતાની સાથે જ સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા તેને સર્વેલન્સ પર મૂકી એક બાદ એક કરી ચારેક એકાઉન્ટ હોલ્ડરને અમદાવાદ સહિતના સ્થળો પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં તોડ કરમાર ભેજાબાજ ટોળકીના મુખ્ય સૂત્રધાર પૈકી એક શખ્સ એમ કુલ પાંચેક શખ્સોંને સકંજામાં લઇ લેવામાં આવ્યા હતા તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ વ્યક્તિએ આરટીજીએસથી મારા ખાતામાં રહેલ બધા પૈસા વેરિફિકેસન કરવા માટે તેમના ખાતામાં નાખવા જણાવેલ હતું જેના પગલે મે ઘરે કોઈને વાત કર્યા વિના ચેક બુક લઇ ઓઢવ, અમદાવાદ બ્રાન્ચના બેંક એકાઉન્ટમાં રૂ. 5.35 લાખ આરટીજીએસ મારફતે મોકલ્યા હતા.