Jamnagar ધ્રોલની વીજ કચેરીના નાયબ ઈજનેર સસ્પેન્ડઃ અન્ય એક અધિકારી ની બદલી

Share:
Jamnagar તા.13
ગત કોરોના કાળ દરમિયાન પીજીવીસીએલના જે કર્મચારી કે અધિકારી અવસાન પામ્યા હતા. તેઓને મળવાપાત્ર થતી સહાયમાંથી બે અધિકારી એજન્ટની ભૂમિકામાં આવી હતી. અને રૂ. ૧૦ લાખ માંગતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ધ્રોલના ડે. ઈજનેર અને અન્ય એક અધિકારી ની બદલી થઈ છે. જેમાં ધ્રોલના અધિકારી સસ્પેન્ડ થયા છે.
રાજ્યભરમાં વીજ કંપનીના જે કર્મચારીઓના કોરોનાકાળ દરમિયાન અવસાન થયા હતા, તેઓના પરિવારને રૂ. રપ લાખનું વળતર આપવાની જાહેરાત થયા પછી વીજ કંપનીના જ અમૂક કર્મચારીઓ એજન્ટની ભૂમિકામાં આવી ગયા હતા, અને સહાય અપાવી દઈએ તો તમારે રૂ. ૧૦ લાખ આપવાના થશે. તેવી માગણી મૂકતાં અને તે બાબત ધીમે ધીમે પ્રકાશમાં આવતા ઉહાપોહ મચી ગયો છે.
આ બાબતની એક ઓડિયો ક્લિપ ફરતી થતાં ખળભળાટ વચ્ચે વીજ કંપનીના જ બે અધિકારી આ ઉઘરાણા કરતા હોવાનું જણાઈ આવ્યું છે. જેના પગલે વીજ કંપની દ્વારા ધ્રોલમાં ડે. ઈજનેર તરીકે ફરજ બજાવતા કે.એન. મિયાત્રાને સસ્પેન્ડ કરી નખાયા છે અને સુરેન્દ્રનગર મૂકી દેવાયા છે.
તે ઉપરાંત કોર્પોરેટ કચેરીના રૂપેશ મોદીની અંજાર અને ત્યાંથી મોરબી બદલીનો આદેશ આવી ગયો છે. તે પછી પણ આ બંને અધિકારી અને અન્ય કોઈ અધિકારી-કર્મચારી તેમાં સંડોવાયા હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે તેવા નિર્દેશ મળ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *