Dhrangadhra, તા. 20
ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રામાં એક દુકાનમાં ચોરી કર્યા બાદ બીજા દિવસે પાસે આવેલા વાવડી ગામે ચોરીની ઘટના બની હતી. જેમાં બે દુકાનમાં શટર ઊંચા કરી દુકાનમાંથી રોકડ માલસામાનની ચોરી કરી લઇ ગયા હતા. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી છે. શિયાળામાં ઠંડીનું જોર વધતા તેનો લાભ લઈને તસ્કર ટોળકી સક્રિય બની છે.
2 દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રામાં દુકાનનું શટર ઊંચું કરી માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે પાસે આવેલા વાવડી ગામે બે પ્રોવિઝનલ સ્ટોરની દુકાનના શટર ઊંચા કરી તાળા તોડી દુકાનમાં પડેલા અંદાજે રૂ. 90,000 જેટલી રોકડ માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા.
જ્યારે સવારે લોકોએ દુકાન શટર ઊંચા જોતા દુકાનદારને જાણ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ ડી.ડી.ચાવડા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને ચોરી અંગેની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી તસ્કરને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ચોરીને લઈને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.