Junagadh, તા. 5
જુનાગઢ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી બાદ ચૂંટાયેેલા ઉમેદવારોમાંથી મેયર સહિતના હોદ્દેદારો માટે પ્રદેશ કક્ષા સુધી ચર્ચા- વિચારણાને અંતે આજે જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે જ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેનના નામોની ઘોષણા થતા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી નામોના અટકળોનો અંત આવ્યો છે.
નામોની જાહેરાત થતા નિયુકત હોદ્દેદારોનાં મોં મીઠા કરાવી શુભેચ્છા આપી હતી. જુનાગઢ મનપાના હોદ્દેદારો માટે પ્રદેશ કક્ષાએથી લેવાયેલ નિર્ણય મુજબ નામો જાહેર કરાયા હતા.
જેમાં મેયર તરીકે ધર્મેશ પોશીયા, ડે.મેયર પદે આકાશ કટારા અને સ્ટે.ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની જાહેરાત થતાં ઉપસ્થિત સૌ કોઇએ તેઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી.
216 દિવસ કમિશ્નર ઓમપ્રકાશના શાસનનો અંત આવશે સાથે નવા હોદ્દેદારોને સર્વાંગી વિકાસ કામોનો મોટા પડકારોનો સામનો કરવો પડશે.
થાન નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્વે જ ભાજપે જબરો ખેલ નાખ્યો છે. સ્થાનિક ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ 14 થી 15 સભ્યો લઇને અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા છે અને સીધા ત્રણ વાગ્યે તેઓ પંચાયત કાર્યાલય ખાતે હાજર થશે. તો બીજી તરફ ભાજપે મહિલા દિન પૂર્વે મહિલાઓને ભેટ આપી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં સ્ટે.ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરને જવાબદારી સોંપી છે.
રાજકોટ જેવા મહાનગરમાં પણ અત્યાર સુધીમાં મહિલાને સ્ટે.ચેરમેન મળ્યું નથી. તો બીજી તરફ બોટાદમાં ભાજપે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ત્રણેમાં મહિલાઓને પસંદ કર્યા છે.
પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ તરીકે નિરૂબેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની નિયુકિત કરી છે. ગઢડાના નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ સુરેશભાઇ મેરની નિયુકિત થઇ છે. આમ ભાજપે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે.