New Delhi,તા.13
રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિશેષ સામાન્ય સભામાં દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવાં સચિવ તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તેઓ જય શાહનું સ્થાન લેશે.
જ્યારે પ્રભતેજસિંહ ભાટિયા ખજાનચી તરીકે ચૂંટાયા છે. જય શાહ અને આશિષ શેલાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે સૈકિયા અને પ્રભતેજ એકમાત્ર ઉમેદવારો હતાં અને બંને પોતપોતાનાં હોદ્દા પર બિનહરીફ ચૂંટાયા હતાં.
જય શાહ 1 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યાં ત્યારથી સૈકિયા બીસીસીઆઈના વચગાળાનાં સચિવ તરીકે કામ કરી રહ્યાં છે. શાહનાં રાજીનામાં બાદ, દેવજીત સૈકિયાને બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ વચગાળાના સચિવ તરીકે નિયુક્ત કર્યા હતાં.
જ્યારે ખજાનચીની ભૂમિકા માટે કોઈ વચગાળાની નિમણૂક કરવામાં આવી ન હતી. બીસીસીઆઈના બંધારણ મુજબ, કોઈપણ ખાલી જગ્યા 45 દિવસની અંદર એસજીએમ બોલાવીને ભરવામાં આવે છે. રવિવાર આ સમયગાળાનો 43મો દિવસ હતો.
અગાઉ આશિષ શેલાર બીસીસીઆઈના ખજાનચી હતા પરંતુ મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે પદ છોડી દીધું હતું. આ પછી જ ભાટિયાએ ખજાનચી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. શાહની ગયાં મહિને ગ્રેગ બાર્કલેના સ્થાને આઇસીસી ચીફ તરીકે નિમણૂક કરી હતી.
દેવજીત સૈકિયા કોણ છે ?
દેવજીત સૈકિયા આસામના રહેવાસી છે. 55 વર્ષીય દેવજીત વ્યવસાયે વકીલ છે. જો કે તે પહેલાં ક્રિકેટર પણ રહી ચૂક્યાં છે. તે આસામ તરફથી રમતાં હતાં. વિકેટકીપર બેટ્સમેન સૈકિયાએ આસામ માટે 4 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 54 હતો. દેવજીત સૈકિયા ક્રિકેટ ઉપરાંત વહીવટી અનુભવ પણ ધરાવે છે.
સૈકિયા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ક્રિકેટ ક્લબના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે. આ પછી સૈકિયા અને હિમંતાએ આસામ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં સાથે કામ કર્યું હતું. 2016 માં, સૈકિયા એસીએના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતાં 2019 માં એસીએના પ્રમુખ બન્યાં હતાં.