ભારતે પણ પાંચમી કનારીયાઓથી ચેતવું પડશે
હવે ચીન તરફી સેનાધ્યક્ષ અને ઇસ્લામિક કટ્ટરવાદીઓ બાંગ્લાદેશ પર કબ્જો જમાવી દેશે : ભારતને પૂર્વમાં એક વધુ ભય
New Delhi,તા.07
ચીન તરફી સેનાધ્યક્ષ જન. ઝમાનને બાંગ્લાદેશનાં લશ્કરના વડા તરીકે નિયુક્ત કરતાં પૂર્વે ભારતે શેખ હસીનાને ચેતવ્યાં હતાં. પરંતુ તે ચેતવણી ઉપર ધ્યાન નહીં આપવાને લીધે આખરે તેઓને દેશ છોડવો પડયો.
જનરલ વકાર-ઉસ-ઝમાનને જૂન ૨૦૨૩માં શેખ હસીનાએ લશ્કરના વડા તરીકે નિયુક્ત કરાવ્યા હતા. તે જ તેઓનાં પતનનું કારણ બન્યા.
આ ચીન સાથે ઘરોબો રાખતા જન. વકાર ઉલ ઝમાનને ૨૩ જૂન ૨૦૨૩ના દિને શેખ હસીનાએ દેશના સેનાધ્યક્ષ પદે નિયુક્ત કરાવ્યા ત્યારે જ ભારતે હસીનાને ચેતવ્યાં હતાં. આ લશ્કરી અધિકારીએ જ ધીમે ધીમે શેખ હસીના વિરૂદ્ધ વિષ ફેલાવવું શરૂ કર્યું અને વિદ્યાર્થીઓ તથા યુવાનોને હાથમાં લઇ જે વ્યાપક રમખાણો કરાવ્યાં તેથી તેઓને અને તેમનાં બહેનને દેશ છોડી નાસી જવું પડયું.
આ સાથે તે લશ્કરી જુંટાએ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં નેતા અને બાંગ્લાદેશના પૂર્વ લશ્કરી વડા જન. ડિક્યા ઉલ હક્કનાં વિધવા ખાલીદા ઝીયાને લશ્કરી જુન્ટાએ સત્તા સંભાળતાં જ સૌથી પહેલાં નજરકેદમાંથી મુક્ત કર્યાં. તેઓ અને તેઓના જન્નતનશીન પતિ બંનેનું ભારત વિરોધી વલણ જાણીતું છે.
વાસ્તવમાં ૨૦૨૪ના જાન્યુઆરીમાં મહિનામાં હસીનાએ જણાવ્યું હતું કે તેઓ હવે ચૂંટણી લડવા માગતાં નથી. પરંતુ તેઓના સમર્થકોએ આગ્રહ કરી તેઓને ચૂંટણીમાં ઊભાં રખાવ્યાં.
તેઓ જાણતાં જ હતાં કે તેઓને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તેમજ પશ્ચિમ (પાકિસ્તાન)ના એજન્ટો તેઓને દૂર કરી સત્તા હાથમાં લેવા એક પગે થયા છે. તેથી તો તેઓે તેઓનાં દરેક કુટુંબીજનો રાજકારણમાં પ્રવેશવાની ના કહી હતી. કારણ કે તેઓ જાણતાં હતાં કે તેમની હત્યા થઇ જશે.
આ તરફ લશ્કર અને કટ્ટરપંથીઓ તથા વિદ્યાર્થીઓ શેખ હસીનાને સત્તાભ્રષ્ટ કર્યાનો જશ્ન મનાવી રહ્યાં છે. તો બીજી તરફ દેશ ઉપર આર્થિક કટોકટીનાં વમળો ઘેરાં અને ઘેરાં બનતાં જાય છે. બાંગ્લાદેશ પણ પાકિસ્તાન, માલદીવ અને શ્રીલંકાની જેમ આર્થિક કટોકટીમાં ભીંસાઈ રહ્યું છે. મુશ્કેલી તે છે કે દેશમાં રાજકીય સ્થિરતા સ્થપાઈ નથી. તેથી પશ્ચિમની કે તેનાં નેતૃત્વ નીચેની વૈશ્વિક ધીરાણ સંસ્થાઓ ધીરાણો કરતાં પહેલાં બે નહીં ચાર વખત વિચારે છે. દેશનું અર્થતંત્ર હચમચી ગયું છે. બેકારી બેફામ બની છે.
હસીના વિરૂદ્ધ આંદોલન ચગાવનાર જમાત એ ઇસ્લામી અને ઇસ્લામી છાત્રશિબિરના નેતાઓને ભાન નથી કે દેશ ઉપર કેટલી ઘેરી આર્થિક કટોકટી તોળાઈ રહી છે. તેમજ દેશમાં હજી કેટલી રાજકીય અસ્થિરતા રહેલી છે.
ભારતની વાત લઇએ તો ભૂતાન સિવાય તેના તમામ પાડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ આર્થિક તેમજ રાજકીય અસ્થિરતામાં સપડાયા છે. મ્યાનમાર (બ્રહ્મદેશ) પણ તેમાં આવી ગયું છે. તો બીજી તરફ ભારતના વિકાસને ખેદાન મેદાન કરવા ઇચ્છતા પાંચમી કનારીયાઓ સળવળી રહ્યા છે. ભારતે તેમનાથી ચેતતા રહેવું અનિવાર્ય છે.