Surat,તા.26
સુરતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે નિયમોમાં ભારે કડકાઈ છે જ્યારે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કોઈ કડકાઈ નથી. તેમ છતાં આશ્ચર્ય વચ્ચે શિક્ષણ સમિતિની મોટાભાગની શાળામાં અનેક વિદ્યાર્થીઓ હાજરી 95 થી 100 ટકા જેટલી જોવા મળે છે. છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સમિતિની શાળામાં 100 ટકા હાજરીનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ આગળ વધે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે પરંતુ કેટલાક શિક્ષકો અને આચાર્યની કામગીરીને કારણે શિક્ષણ સમિતિના શિક્ષણનું સ્તર દિવસેને દિવસે સુધરી રહ્યું છે તેની અસર બાળકોની હાજરી પર જોવા મળી રહી છે. પાલિકાની કેટલીક શાળાઓમાં એવું વાતાવરણ હોય છે કે બાળકોને જાહેર રજા કે રવિવારની રજા હોય તો પણ ગમતું નથી. સમિતિની શાળામાં 100 ટકા હાજરી હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા હવે વધી રહી છે.