રાજકોટમાં પ્રથમ છ માસમાં ડેન્ગ્યુના 20 દર્દી સામે ત્રણ માસમાં 192 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ
RAJKOT,તા.૦૧
વરસાદ અને બદલાતી ઋતુમાં મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. તેમાં પણ ખાસ વરસાદ રહી જતાં મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષના પ્રથમ છ માસમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના ફક્ત 20 કેસ નોંધાયા હતા જયારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિનામાં ડેન્ગયુના કુલ 192 કેસો રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષના નવ માસ દરમિયાન ડેન્ગ્યુના કુલ 212 કેસો નોંધાયા છે. જે પૈકી જાન્યુઆરી માસથી જૂન મહિનાના અંત સુધીમાં ફક્ત 20 કેસો નોંધાયા હતા. જે બાદ વરસાદની મોસમમાં ડેન્ગ્યુએ ભરડો લીધો હોય તેવા આંકડા સામે આવ્યા છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 192 ડેન્ગ્યુના દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે.
હવે ચિકનગુનિયાની જો વાત કરવામાં આવે તો વર્ષના નવ મહિનામાં કુલ 27 કેસો નોંધાયા છે. જે પૈકી 17 કેસો પ્રથમ છ માસમાં અને અન્ય 10 કેસો ત્રણ માસમાં નોંધાયા છે જેથી ચિકનગુનિયાના કેસોમાં પણ ઉછાળો થયાનું નોંધાયું છે.
હવે મેલેરિયાના પ્રાપ્ત આંકડાની જો વાત કરવામાં આવે તો પ્રથમ છ માસમાં મેલેરિયાના નવ કેસો નોંધાયા હતા જેની સામે ફક્ત ત્રણ માસમાં 17 કેસો મનપાના ચોપડે એટલે કે લગભગ બમણા કેસો અડધા સમયગાળામાં નોંધાયા છે.
રાજકોટ ગ્રામ્યમાં ડેન્ગ્યુના 138 કેસ, ચિકનગુનિયાના 29 અને 63 મેલેરિયાના કેસ
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષના નવ મહિનામાં ડેન્ગ્યુના કુલ 138 કેસો નોંધાયા છે. જયારે ચિકનગુનિયા 29 કેસો અને મેલેરિયાના 63 કેસો નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના આગમન બાદ મચ્છરજન્ય રોગોમાં ધરખમ ઉછાળો થયાનું જાણવા મળ્યું છે.