Gandhinagar,તા.૧૮
વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા. રાહુલ ગાંધીનું નામ લીધા વગર અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં પણ ખબર નથી. દિલ્હીના એ નેતાને વારસામાં પાર્ટી મળી છે. ગુજરાતમાં આવીને રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે. મે ૧૨ વર્ષ પહેલા આ ભાષણ સાંભળ્યું હતું અને આજે પણ એ જ ભાષણ આપે છે. પચાસ લોકોને કાઢી મુકવાની વાત કરે છે. કોંગ્રેસના નેતાઓ યાદી તો બનાવી જુએ. ત્યારે અર્જુન મોઢવાડિયાના આ કટાક્ષ પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે, વરઘોડાવાળા ઘોડા બીજા પક્ષમાં જતા રહ્યા. આમ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાહુલ ગાંધીનો મુદ્દો ગરમાયો હતો. આમ, એક સમયે કોંગ્રેસના જ સાથી રહેલા અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની પોલ વિધાનસભામાં ખુલ્લી પાડી હતી.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓને પણ જાહેરમાં વ્યક્ત કરી હતી. ગુજરાતમાં પગ મૂકતાં જ રાહુલે કોંગ્રેસને આ હિન્ટ આપી હતી. જેને પગલે હવે ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં ધરમૂળથી ફેરફારો આવે તો નવાઈ નહિ. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા, જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના નેતા મહાત્મા ગાંધીએ દેશને કહ્યું હતું કે, ડરો નહિ અને ડરાવો નહિ. આજે કોંગ્રેસ પાર્ટીના વિચાર ગુજરાતથી આવ્યા હતા. હવે અમે તેમને સબક શીખવાડીશું, જેમ તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું. આ સાથે જ મારી એક ફરિયાદ પણ છે. ગુજરાત કોંગ્રેસમાં કોઈ કમી નથી તેવુ પણ ન કહી શકાય. એક કાર્યકર્તાએ મને કહ્યું કે, રાહુલજી, કોંગ્રેસમાં એક તકલીફ એવી છે કે, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નનો હોય છે. ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. કાર્યકર્તાએ મને કહ્યું કે, આ તમે બંધ કરાવો. હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું, અને લગ્નના ઘોડાના લગ્નના બારાતમાં નચાવીશું. આ કામ હવે ગંભીરતાથી કરવાનું છે.
સામાન્ય રીતે ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો, કાર્યકરોનું ભાજપમાં જવું એ કોઈ નવી વાત નથી. આ સિલસિલો ઘણા સમયથી ચાલ્યો આવે છે. ગત વર્ષે એક સમયના કૉંગ્રેસના વિપક્ષ નેતા, પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા એવા દિગ્ગજ અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાતા સમયે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, હાલ કૉંગ્રેસનું એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે. ત્યાં બદલાવ લાવવાના તમામના પ્રયાસો નિષ્ફળ ગયા છે. એટલે જે સપનું મેં મારા પોરબંદર માટે જોયું હતું, મારા ગુજરાત માટે જોયું હતું એ સપનું આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈને નેતૃત્વમાં પરિવર્તિત થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલાં વર્ષોના સંબંધો તોડી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું.