New Delhi,તા.૨૪
દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વાર, શાસક પક્ષ અને વિપક્ષમાં બે મહિલાઓએ ટોચના હોદ્દા સંભાળ્યા. અગાઉ ફક્ત મુખ્યમંત્રી પદ મહિલાઓ પાસે હતું, પરંતુ પહેલીવાર કોઈ મહિલાને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
ભાજપે મુખ્યમંત્રી પદ માટે પહેલી વાર ધારાસભ્ય બનેલી રેખા ગુપ્તાની પસંદગી કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.
૧૯૯૩ થી ૧૯૯૮ સુધી વિધાનસભામાં ભાજપે મદનલાલ ખુરાના, સાહિબ સિંહ અને ચૂંટણીના થોડા મહિના પહેલા સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવ્યા હતા. સુષ્મા સ્વરાજ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. આ સમય દરમિયાન વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના ધારાસભ્ય જગપ્રકાશ ચંદ્ર હતા.
૧૯૯૮માં સત્તા પરિવર્તન પછી કોંગ્રેસે શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવ્યા અને તેઓ ૨૦૧૩ સુધી મુખ્યમંત્રી રહ્યા. આ સમયગાળા દરમિયાન, ૧૯૯૮ થી ૨૦૦૮ સુધીના વિધાનસભાના ત્રણ કાર્યકાળમાં, ભાજપના પ્રો. જગદીશ મુખી વિપક્ષના નેતા હતા અને વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી, ભાજપના વરિષ્ઠ નેતા પ્રો. વિજય કુમાર મલ્હોત્રાને વિરોધ પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
૨૦૧૩માં જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારે તેના નેતા અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા અને તેઓ ૨૦૨૪ના મધ્ય સુધી મુખ્યમંત્રી રહ્યા અને આપના શાસનના ત્રીજા કાર્યકાળમાં આપ દ્વારા આતિશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
જ્યારે ભાજપે ૨૦૧૩માં ડૉ. હર્ષવર્ધનને, ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી વિજેન્દ્ર ગુપ્તાને અને ૨૦૨૦ થી ૨૦૨૪ સુધી રામવીર સિંહ બિધુડીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા. વર્ષ ૨૦૨૪ માં સાંસદ બન્યા બાદ, વિજેન્દ્ર ગુપ્તાને વિપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી.