Jamnagar,તા,03
જામનગર શહેરમાં અતિવૃષ્ટિ પછી પૂરના અસરગ્રસ્તોની સહાયની સર્વેની કામગીરી ચાલી રહી છે, જેનું સર્વે કરી રહેલા શિક્ષકને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા,જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓના કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો.
જામનગર શહેરમાં વોર્ડ નંબર 16માં પૂર અસરગ્રસ્તોની સર્વેની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સોમવારે (બીજી સપ્ટેમ્બર) જામનગરના વાણીયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા 38 વર્ષીય કલ્પેશભાઈ માંડવિયા વૃજ વાટીકા સોસાયટીમાં સર્વેની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને એક એક હાર્ટ એટેક આવી ગયો હતો. તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવની જાણ થતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ભારે ગમગીની છવાઈ હતી. પોલીસ તંત્ર પણ દોડતું થયું છે અને શિક્ષકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. શિક્ષક કલ્પેશભાઈ માંડવિયાનું ચાલુ ફરજે હાર્ટ એટેકથી મૃત્યુ થયાના બનાવની જાણ થતાં જામનગર શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા તેમજ અન્ય શિક્ષક અગ્રણીઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા. મૃત શિક્ષકને વોરિયર તરીકે ગણીને તેઓના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.