Ahmedabad:ટુ વ્હીલર ટેક્સીમાં પીળી નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ

Share:

Ahmedabad,તા.04

અમદાવાદના રિક્ષા ચાલકોમાંથી ટુ-વ્હીલરના કોમર્શિયલ ઉપયોગ બાબતે ઉઠેલા વિરોધ બાદ આરટીઓ દ્વારા જાન્યુઆરીની શરૂઆતમાં હંગામી ધોરણે શહેરમાં ચાલતી ટુ-વ્હીલર ટેક્સી પર 30 દિવસનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો. રોજગારી છીનવાઈ જવાના ડરથી ટુ-વ્હીલર ટેક્સીના ચાલકોએ તરત જ કોમર્શિયલ નંબર પ્લેટ માટે અરજી કરવાનું શરૂ કરી દીઘું હતું. પરંતુ પોતે આપેલી મુદત ખુદ તંત્ર જ ભૂલી ગયું હોય તેમ ત્રીસ દિવસ બાદ હજી ટુ વ્હીલર ટેક્સી માટે ટેક્સ સહિતના નિયમોનું માળખું તૈયાર કરાયું નથી. જેથી રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓ અદ્ધરતાલ પડી છે, અને એક પણ મંજૂર કરાઈ નથી. 

પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ ભડકે બળતા શહેરમાં એકથી બીજા સ્થળે પહોંચવામાં ખિસ્સા પર ભારણ વધી જાય છે. જાહેર પરિવહનની પૂરતી વ્યવસ્થા નથી, ને ખાનગી વાહન પરવડતા નથી. ઉપરાંત એક વ્યક્તિ માટે કેબ, ટેક્સી કરીને જવામાં પણ તોતિંગ ભાડું ચૂકવવું પડતું હોય લોકો તે ટાળતા હોય છે. તેવામાં ટુ-વ્હીલર ટેક્સી નોકરિયાતો, કોલેજના છાત્રો સહિતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. તેનાથી તેમના નાણાં અને સમય બચે છે, તેમજ માર્ગો પર ખાનગી વાહનોનું ભારણ ઘટે છે, સામે ચાલકોને રોજગારી મળી રહે છે.

માત્ર અમદાવાદમાં જ ટુ-વ્હીલર ટેક્સીના દોઢેક હજાર ચાલકો છે. જાન્યુઆરીની શરૂઆતમાં આરટીઓ દ્વારા તેમના પર પ્રતિબંઘ મૂકી ત્રીસ દિવસમાં પીળી નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત કરાયું હતું. રોજગારી છીનવાઈ જવાના ભયથી ચાલકોએ પીળી નંબર પ્લેટ માટે અરજીઓ શરૂ કરી દીઘી હતી. પરંતુ આરટીઓ અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટુ-વ્હીલરના કોમર્શિયલ ઉપયોગ માટે ટેક્સ વગેરે નિયમો હજી નક્કી કરાયા નથી. જેથી એકાદ મહિનાથી ચાલકો દ્વારા કરાયેલી અરજીઓ અધ્ધરતાલ પડી રહેતા હજારોની રોજગારી પર પ્રશ્ન ઉભો થયો છે.

સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં પોલમપોલ

ટુ વ્હીલર ટેક્સીને ફરજીયાત કોમર્શિયલ વાહનોની કેટેગરીમાં મૂકાવાની વાતો વચ્ચે રાજ્યમાં ઈ-વાહનોના કોમર્શિયલ ઉપયોગ માટે હજી સુઘી કોઈ નિયમ લાગૂ કરાયા નથી. મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં કોમર્શિયલ ઈ-વાહનોમાં લીલા રંગની પ્લેટ પર પીળા કલરના અક્ષરથી નંબર લખવાનો નિયમ છે. જ્યારે ગુજરાતમાં ખાનગી અને કોમર્શિયલ ઈ-વાહનને જુદુ પાડવા આવી કોઈ જોગવાઈ નથી. એસટી અને સિટી ઈ-બસ તેમજ પેસેન્જર તથા લોડિંગ ઈ-રિક્ષાઓ ખાનગી ઈ-વાહનો જેવી નંબર પ્લેટ સાથે જ માર્ગો પર દોડી રહ્યા છે. 

વાહનવ્યવહાર વિભાગ દ્વારા હજી જોગવાઈ કરાઈ નથી

કોમર્શિયલ વાહનો માટે તેમની ક્ષમતા પ્રમાણે રાજ્યના વાહનવ્યવહાર બે નક્કી વિભાગ દ્વારા ટેક્સનું માળખું નક્કી કરાતું હોય છે. ટુ-વ્હીલરના કોમર્શિયલ ઉપયોગ માટે હજી સુઘી વિભાગ દ્વારા વેરાનો દર વગેરે નિયમો નક્કી કરાયા નથી. આગામી દિવસો વાહનવ્યવહાર કમિશનર દ્વારા ટુ-વ્હીલર ટેક્સી માટે જે જોગવાઈ કરાશે ત્યારે અમે પણ તેનું અમલીકરણ કરીશું. આ પ્રક્રિયામાં વધુ એક મહિનો લાગી શકે છે.

દસ દિવસમાં અરજી મંજૂર થવાની હતી, પરંતુ હજુ સુઘી ઘડા નથી! 

જાન્યુઆરીમાં આરટીઓ દ્વારા પ્રતિબંઘ મૂકાતા અમે તરત જ પીળી નંબર પ્લેટના રજિસ્ટ્રેશન માટે અરજી કરી દીઘી હતી. દસેક દિવસમાં અરજી મંજૂર થશે તેવી વાત હતી. પરંતુ અમદાવાદ આરટીઓ અને વાહનવ્યહાર વિભાગ વચ્ચે સંકલનના અભાવે વીસેક દિવસ બાદ હજી સુઘી મંજૂરી મળી નથી. જ્યાં સુઘી પીળી નંબર પ્લેટ નહીં લાગે ત્યાં સુઘી ટ્રાકિક પોલીસ દ્વારા અમને ઉભા રાખી નિયમ ભંગના નામે દંડ ઉઘરાવાય છે. જેથી બન્ને તરફથી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *