Mumbai,તા.25
સપ્ટેમ્બરમાં સાધારણ મંદ પડયા બાદ ભારતની વેપાર પ્રવૃત્તિમાં ઓકટોબરમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત માગને પરિણામે વેપાર પ્રવૃત્તિમાં પ્રારંભિક અંદાજમાં વધારો જોવા મળ્યો છે. રોજગાર નિર્માણની ગતિ પણ ૨૦૦૬ના ફેબુ્રઆરી બાદ સૌથી ઊંચી જોવા મળી છે, એમ એક સર્વમાં જણાયું હતું.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો વર્તમાન મહિના માટેનો એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પ્રારંભિક અંદાજ પ્રમાણે ૫૮.૬૦ જોવાયો રહ્યો છે જે સપ્ટેમ્બરમાં દસ મહિનાની નીચી સપાટી સાથે ૫૮.૩૦ રહ્યો હતો.
૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઓકટોબરમાં સતત ૩૯માં મહિને સંયુકત ઈન્ડેકસ ૩૯ની ઉપર રહ્યો છે. જૂન ૨૦૧૩ બાદ આ પ્રથમ જ વખત એકધારું વિસ્તરણ જોવા મળી રહ્યું છે.
ઓકટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં ગતિ જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં સતત મંદ રહ્યા બાદ ઓકટોબરમાં પીએમઆઈના કેટલાક ઘટકોમાં ગતિ આવી છે, એમ એચએસબીસી ખાતેના ઈકોનોમિસ્ટ પ્રાન્જુલ ભંડારીએ જણાવ્યું હતું.
ઘરઆંગણે તથા નિકાસ માટેના નવા ઓર્ડરો ઝડપથી વધ્યા છે જે વર્તમાન વર્ષના બાકીના સમય માટે ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે સ્થિતિ સારી રહેવાના સંકેત આપે છે.
ઉત્પાદન ક્ષેત્રનો ઓકટોબરનો પ્રારંભિક પીએમઆઈ ૫૭.૪૦ રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો આ આંક ૫૭.૯૦ રહ્યો છે.
દેશમાં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ)સ્કીમ લોન્ચ કરાયા બાદ અંદાજે ૧૭ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને રૂપિયા ૧૧ ટ્રિલિયનનું ઉત્પાદન જોવા મળ્યું છે અને દસ લાખ રોજગાર નિર્માણ થયા હોવાનો સરકારી સુત્રોએ તાજેતરમાં દાવો કર્યો હતો.
ઓકટોબરમાં ભારતીય પ્રોડકટસ માટે આંતરરાષ્ટ્રીય માગમાં પણ વધારો થયો છે, જેને કારણે કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીમાં ઝડપ આવી છે. વર્તમાન મહિનામાં કર્મચારીઓની ભરતીનો આંક સાડાઅઢાર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.