Melbourne,તા.07
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદ કરાયેલાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે, ગુરુવારે વનડેમાંથી નિવૃત્તિ લઈને દરેકને આશ્ચર્યચકિત કરી દીધાં છે.
આ 35 વર્ષીય ખેલાડી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. સ્ટોઇનિસે 71 વનડેમાં 26.69 ની સરેરાશથી 1495 રન બનાવ્યાં છે, અને તેમણે 43.12 ની સરેરાશ અને 5.99 ની ઈકોનોમીથી 48 વિકેટો પણ ઝડપી હતી.
2018-19 માં ઓસ્ટ્રેલિયાનાં સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર સ્ટોનિસ દ્વારા લેવામાં આવેલાં આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલેથી જ ઇજાગ્રસ્ત ખેલાડીઓની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત 12 ફેબ્રુઆરી સુધીમાં કરવી ફરજિયાત
ઓસ્ટ્રેલિયાએ 12 ફેબ્રુઆરી સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમની જાહેરાત કરવી પડશે. એવું માનવામાં આવે છે કે, હેમસ્ટ્રિંગની ઇજાને કારણે સ્ટોનિસે અચાનક એસએ 20 ટૂર્નામેન્ટ દરમિયાન સંન્યાસનો નિર્ણય લીધો હતો. તે આ ટૂર્નામેન્ટમાં ડર્બન સુપર જાયન્ટ્સ માટે રમે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અને દુબઇમાં રમવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ટીમ 22 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે રમશે.
કમિન્સ, હેઝલવુડ ઇજાગ્રસ્ત
ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પેટ કમિન્સ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે નહીં તેનાથી કાંગારૂઓની ટૂર્નામેન્ટમાં જીતવાની આશાને ફટકો પડ્યો છે. કમિન્સને પગની ઘૂંટીમાં ઇજા થઈ છે, આ ઈજાથી તેઓ ભારત સામેની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ દરમિયાન પણ ઝઝૂમી રહ્યાં હતાં.
હેઝલવુડ પણ પિંડીની ઇજાથી સ્વસ્થ થઈ રહ્યો છે. આને કારણે તે ભારત સામે છેલ્લાં બે ટેસ્ટમાં રમ્યો ન હતો. કમિન્સ અને હેઝલવુડની બહાર હોવાને કારણે ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી છે. કમિન્સની ગેરહાજરીમાં, સ્ટીવ સ્મિથ અથવા ટ્રેવિસ હેડ કેપ્ટન બની શકે છે.
માર્કસ સ્ટોઇનિસે કહ્યું
સ્ટોઇનિસે કહ્યું કે, ટોચનાં સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવું એ કંઈક છે જે હું હંમેશાં સાચવીને રાખવા માંગું છું. તેમણે કહ્યું કે સંન્યાસનો નિર્ણય લેવો સરળ નહોતો પરંતુ એવું લાગે છે કે વનડેને વિદાય આપવા અને આગલાં પ્રકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે.
ઓસ્ટ્રેલિયન કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડે કહ્યું
કોચે કહ્યું કે, સ્ટોઇનિસ છેલ્લાં એક દાયકાથી વનડે ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તે એક મહાન ખેલાડી અને ખૂબ જ સારો વ્યક્તિ છે. તે તેની કારકિર્દી અને તેની સિદ્ધિઓ બદલ અભિનંદનને પાત્ર છે.