Rajkot,તા.29
શહેરના વિજય પ્લોટ વિસ્તારમાં ભાડુતના લેબલ હેઠળ વર્ષોથી રાખેલ મિલ્કત મકાન માલિકોને પ૨ત સોંપવા કોર્ટે હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ શહેરના વિજય પ્લોટ, રાવલ બિલ્ડીંગ તરીકે ઓળખાતી મિલકત મહેન્દ્રકુમાર ભાઈશંકર રાવલે ખરીદ કર્યા બાદ તેઓના પત્ની ઉષાબેન સદરહું મિલ્કતના માલિક બનેલ. ઉપર્યુકત ઉલ્લેખેલ મિલ્કતમાં બળવંતભાઈ ઠાકરશીભાઈ પરમાર પહેલા માળે ૨ રૂમ, કિચન વિગેરે રૂા.૨૬/- ના ભાડાથી ભાડુઆત તરીકે વાપરતા હતા. પરંતુ દાવો દાખલ થયો તેના ૨૦ વર્ષથી તેઓએ ભાડું આપવાનું બંધ કરી દીધેલ, ભાડાવાળી મિલ્કત બિનવપરાશી રાખેલ. તેમજ બળવંતભાઈ પરમારને ભાડુઆતી મકાનથી વિશેષ સારું એવું મકાન યુનિવર્સિટી રોડ ઉપર, શ્રધ્ધાદીપ સોસાયટીમાં પ્રાપ્ત થઈ ગયેલ. પરંતુ તેઓએ ઉપરોકત ભાડુઆતી કબ્જાવાળી મિલ્કત મકાન માલિકને પરત આપવા દરકાર કરેલ નહીં. આથી મકાન માલિક દરજ્જે દાવો દાખલ કરવામાં આવ્યો હતો, ચાલુ દાવે બળવંતભાઈ પરમાર પણ અવસાન પામેલ. અને તેના પુત્ર આત્મીય કે પત્ની કંચનબેન પણ જે તે મિલ્કત વાપરતા ન હતા અને મિલ્કત ભયગ્રસ્ત હાલતમાં હોવા છતાં મકાન માલિકને કબ્જો સોંપવા દરકાર કરેલ નહીં. વાદીએ દાવો કરતા બળવંતભાઈ પરમાર અને તેના વારસો વતી જુદાજુદા વાંધાઓ આગળ ધરી ૧૫ વર્ષ કાનુની કાર્યવાહી લંબાવેલ. દરમિયાન કોર્ટે બન્ને પક્ષકારોને સાંભળી ઠરાવેલ છે કે પુરાવા ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રતિવાદીને અન્ય વૈકલ્પિક અને સ્યુટેબલ ઓલ્ટરનેટીવ એકોમોડેશન પ્રાપ્ત થઈ ગયેલ છે.મકાન માલિકની મિલ્કત પરત સોંપવા જવાબદાર ઠરે છે, તેથી વાદી ઉષાબેન તથા વિપુલભાઈ રાવલની માલિકીની ૨૦ વિજય પ્લોટમાં રાવલ બિલ્ડીંગ તરીકે ઓળખાતી મિલ્કતમાં ભાડુઆત જેટલો કબ્જો ધારણ કરે છે તે હુકમની તારીખથી બે માસમાં પરત સોંપવા આદેશ કરેલ છે. ઉપરોકત કામમાં વાદી મકાન માલિકો વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ વિગેરે રોકાયા હતા.