New Delhi,તા.૩
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના વજન અંગે કોંગ્રેસના એક નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હોબાળો મચાવ્યો છે. લોકોએ કોંગ્રેસના નેતાને આડે હાથ લીધા છે. વિવાદ વધતો જોઈને કોંગ્રેસ નેતાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે, આ વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે અને ભાજપે સમગ્ર કોંગ્રેસને નિશાન બનાવી છે. આ દરમિયાન ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા.
રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં કોંગ્રેસ નેતાએ લખ્યું કે ’રોહિત શર્મા એક જાડો ખેલાડી છે!’ તેને વજન ઘટાડવાની જરૂર છે. તે નિઃશંકપણે ભારતનો અત્યાર સુધીનો સૌથી બિનઅસરકારક કેપ્ટન છે. ડૉ. શમા મોહમ્મદની આ પોસ્ટ પર યુઝર્સ ગુસ્સે ભરાયા. એક પાકિસ્તાની રમતગમત પત્રકારે પણ કોંગ્રેસ નેતાની આ પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી અને રોહિત શર્માને વિશ્વ કક્ષાનો ખેલાડી ગણાવ્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાએ હજુ પણ હાર ન માની અને તેમણે ફરીથી રોહિતની ટીકા કરી અને રોહિત શર્માને એક સામાન્ય કેપ્ટન ગણાવ્યો અને કહ્યું કે તે ભાગ્યશાળી છે કે તે ભારતીય ટીમનો કેપ્ટન છે.
કોંગ્રેસ પ્રવક્તાની ટિપ્પણી પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કટાક્ષમાં લખ્યું કે કોંગ્રેસ હવે રાહુલ ગાંધીને ક્રિકેટ રમવા માંગે છે. પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ’કોંગ્રેસને શરમ આવવી જોઈએ. હવે તે ભારતીય ક્રિકેટ ટીમને નિશાન બનાવી રહ્યો છે. શું તેઓ ઈચ્છે છે કે રાજકારણમાં નિષ્ફળ ગયા પછી રાહુલ ગાંધી હવે ક્રિકેટ રમે?
વિવાદ વધતાં કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે પોતાની પોસ્ટ પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે તેમનું ટ્વીટ ખેલાડીની ફિટનેસ સંબંધિત એક સામાન્ય ટ્વીટ હતું. આમાં કોઈના સ્થૂળતાની મજાક ઉડાવવામાં આવી ન હતી. હું હંમેશા માનું છું કે ખેલાડી ફિટ હોવો જોઈએ અને મને લાગે છે કે તે (રોહિત શર્મા) થોડો જાડો છે. તો મેં તેના વિશે ટિ્વટ કર્યું. મારા પર કોઈ કારણ વગર હુમલો થઈ રહ્યો છે. મેં તેની સરખામણી અગાઉના કેપ્ટનો સાથે કરી અને તે મારો અધિકાર છે. આ કહેવામાં શું ખોટું છે? આ લોકશાહી છે.