Mumbai,તા.16
મહારાષ્ટ્રની ધારાસભા ચૂંટણી તા.20ના યોજાનારા મતદાન પુર્વે હવે ગણતરીના ચાર દિવસો જ બાકી રહ્યા છે તો રાજયમાં ખાસ કરીને મુંબઈમાં ગુજરાતી-ફેકટરને ભાજપ સાથે જોડી રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં પ્રચાર માટે પહોંચી ગયા છે. ઉપરાંત તેમની સાથે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મુંબઈ અને ગુજરાતનો ખાસ નાતો રહ્યો છે અને તે પોલીટીકલી પણ પ્રભાવી છે.
મુંબઈની 36 ધારાસભા બેઠક પર 420 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાં મહાયુતીમાં ભાજપ-મુંબઈના ગુજરાત ક્ષેત્ર અને શિવસેના શિંદેજૂથ- મરાઠા પ્રભાવિત અને ખાસ કરીને એક સમયે શિવસેના-બાલાસાહેબ ઠાકરેના ક્ષેત્રોમાં પ્રભાવ વાપરવા માંગે છે તે સમયે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો એક દિવસનો પ્રવાસ પણ મહત્વનો છે.
પટેલે તેના પ્રવાસનો પ્રારંભ આજે દહિસરમાં ગુજરાતી બિઝનેસ કોમ્યુનીટી સાથે ચાય-પે ચર્ચાથી શરૂ કર્યા છે અને તેઓ ગુજરાતી ફાફડાની પણ લિજજત માણશે બાદમાં તેઓ બ્રાન્દ્રા-કુર્લા અને સુરત-કનેકશન ધરાવતા ભારત બુર્સ ખાતે જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના સભ્યો સાથે સંવાદ કરશે.
આ બાદ તેઓ જોગેશ્વરી વેસ્ટમાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજીત જનસભામાં ઉપસ્થિત રહેશે અને તેમાં અહીના 140 ગુજરાતી સંગઠનોને જોડવામાં આવ્યો છે અને તેઓ વર્સોવાના મહોડા ગ્રાઉન્ડ યોજાનારા મેટ્રો સ્ટેશન, જોગેશ્વરી વેસ્ટમાં સભાને સંબોધશે અને અંધેરી મતક્ષેત્ર હેઠળ રામમંદિર માહોલમાં પણ સભા સંબોધશે.
છેલ્લે તેમાં ઘાટકોપર ઈસ્ટ ખાતે પોલીસ હોકી ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે તો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વસઈ પશ્ર્ચીમ કાલીમાતા મંદિર સામેના કલ્પતરૂ ગ્રાઉન્ડ ખાતે બપોરે 3.30 કલાકે સભા સંબોધશે.અહીજ તેઓ બૌદ્ધિકો સાથે બેઠક યોજશે અને સાંજે 5.40 વાગ્યાથી ગ્લોબલ સીટી ક્ષેત્રમાં રોડ શો અને નાની સભાઓને સંબોધશે.
આ ઉપરાંત સુરત, અમદાવાદના ભાજપ સાથે જોડાયેલા ડાયમંડ-ટેક્ષટાઈલ જવેલરી ક્ષેત્રના અગ્રણીઓએ મુંબઈ ધામા નાખી ભાજપના પ્રચારમાં જોડાયા છે. શ્રી સી.આર.પાટીલ પણ ગઈકાલે મહારાષ્ટ્રમાં પ્રચારમાં સામેલ થયા હતા અને ગુજરાત ભાજપના અનેક ધારાસભ્યોને પણ મુંબઈમાં ડયુટી સોપાઈ છે.