Gandhinagar,તા.06
ગુજરાત વિધાનસભામાં અને કેન્દ્રની સંસદમાં ગુજરાત સરકારના માથા પરના દેવા અંગે રજૂ કરવામાં આવતા આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત જોવા મળ્યો છે. જેના કારણે ગુજરાત સરકાર પર ગુજરાત વિધાનસભા તેમજ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
વર્ષ 2023-24ના અંતે ગુજરાત સરકારે દર્શાવેલા આંકડા પ્રમાણે ગુજરાત સરકારનું જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયાનું છે. તેની સામે દેશની સંસદમાં પાંચમી ફેબ્રુઆરી 2024ના રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ગુજરાત સરકારના માથા પરનું જાહેર દેવું 4,67,464.40 કરોડ રૂપિયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આમ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગુજરાતના માથા પરના દેવા અંગે દર્શાવેલા આંકડાંમાં જમીન આસમાનનો તફાવત છે. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ નેતા શૈલેશ પરમારે બુધવારે (પાંચમી માર્ચ) ગુજરાત વિધાનસભામાં બજેટ અંગેની ચર્ચા દરમિયાન બોલતા જણાવ્યું હતું. આ આંકડાંઓ વચ્ચેના તફાવત અંગે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વહેલામાં વહેલી સ્પષ્ટતા કરવી જરૂરી છે.
ગુજરાત સરકારનું જાહેર દેવું 2023-24માં 3,77,96 કરોડ રૂપિયાનું હતું. તેની સામે 2025-26ના વર્ષમાં જાહેર દેવું વધીને 4,55,537 કરોડ રૂપિયાનો અંદાજ આપવામાં આવ્યો છે. આમ, છેલ્લાં બે વર્ષમાં ગુજરાત સરકારે તેના દેવામાં રોજના 1063.26 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ દેવાનું વ્યાજ ચૂકવવા માટે રોજના ગુજરાત સરકાર 68.82 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. GDPના મૂલ્ય સાથે જાહેર દેવાની ટકાવારી કાઢવામાં આવે તો તે 14.96 ટકાની આસપાસની છે. ગુજરાત સરકારે 2024-25ના વર્ષમાં 76,000 કરોડ રૂપિયાનું દેવું લીધું છે. ગુજરાતના એક નાગરિકને માથે અંદાજે 2,95,308 કરોડ રૂપિયાનું દેવું છે. આમ, ગુજરાત સરકારની એકની આવકમાંથી 8.83 પૈસા તો રાજ્યના દેવા પરના વ્યાજની ચૂકવણી કરવામાં જ ખર્ચાઈ જાય છે.