China માં કોરોના જેવો નવો વાઈરસ ફેલાયો

Share:

China,તા.03

કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે, જે એક RNA વાયરસ છે.

જ્યારે વાયરસથી સંક્રમણ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. તેમાંથી 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ચીનના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવો અને ગળામાં ઘરઘર આવવી સામેલ છે. એચએમપીવી ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

HMPV વાયરસની ઓળખ સૌપ્રથમ 2001 માં કરવામાં આવી હતી. એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો. જો કે, આ વાયરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે. આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ શિયાળામાં તેના ફેલાવાનું જોખમ સૌથી વધુ હોય છે.

ચીને ઇમરજન્સી જાહેર કરી, સોશ્યલ મીડિયા પર દાવો
દર્દીઓની તસવીરો પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે, વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાનમાં ભીડ વધી રહી છે.

જો કે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે, અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે.

ખાંસી અને છીંક દ્વારા વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાયરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. રોયટર્સ અનુસાર, ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.

2019માં ચીનમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો
કોવિડ-19નો પહેલો કેસ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું હતું. તે SARS-CoV-2  વાયરસ (કોરોના વાયરસ) દ્વારા ફેલાય છે.

આ પછી આ વાયરસ વિશ્વમાં ઝડપથી ફેલાઈ ગયો. 30 જાન્યુઆરી, 2020 ના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો. વિશ્વભરમાં કોવિડના 70 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય 70 લાખથી વધુ લોકોના મોત પણ નોંધાયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *