‘આટલી હિંમત…આમ તો કાલે મારે ઘેર આવીને પૂછશો…’ CJI એ કોર્ટમાં વકીલનો ઉધડો લીધો

Share:

New Delhi,તા.04

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ ફરી એકવાર ગુસ્સે થયા છે. આ વખતે તેમણે વકીલને ફટકાર લગાવી છે. કોર્ટમાં સરાજાહેર વકીલનો ઉધડો લેતા તેમણે કહ્યું કે, ‘તમે આટલી હિંમત કેવી રીતે બતાવી.’ વાસ્તવમાં વકીલે ડી.વાય ચંદ્રચુડને કહ્યું હતું કે ‘મેં કોર્ટ માસ્ટર પાસેથી એક કેસની માહિતી લીધી હતી.’ આ મામલે ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ ગુસ્સે થયા હતા.

‘વકીલોએ તમામ સમજશક્તિ ગુમાવી દીધી’

સુપ્રીમ કોર્ટમાં આર્બિટ્રેશન ઓર્ડર અંગે સુનાવણી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. એક વકીલે કહ્યું કે, ‘મેં ‘માસ્ટર’ સાથે કોર્ટમાં લખેલા આદેશની વિગતો ક્રોસ ચેક કરી હતી.’ જેના પર ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, ‘તમારી હિંમત કેવી રીતે થઈ કે કોર્ટ માસ્ટરને પૂછો કે મેં કોર્ટમાં શું લખ્યું છે? કાલે તમે મારા ઘરે આવશો અને મારા પ્રાઈવેટ સેક્રેટરીને પૂછશો કે હું શું કરું છું. એવું લાગે છે કે વકીલોએ તેમની તમામ સમજશક્તિ ગુમાવી દીધી છે.’

ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે કહ્યું- ‘હું હજુ પણ ચાર્જમાં છું, ભલે થોડા સમય માટે. અમારી કોર્ટમાં આ વિચિત્ર યુક્તિઓ ફરીથી અજમાવશો નહીં. કોર્ટમાં આ મારા છેલ્લા દિવસો છે.’ નોંધનીય છે કે, ડીવાય ચંદ્રચુડ 10મી નવેમ્બરે નિવૃત્ત થશે. તેમના પછી જસ્ટિસ સંજીવ ખન્ના ચીફ જસ્ટિસ બનવા જઈ રહ્યા છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે CJIએ આટલી કોર્ટમાં ગુસ્સો દર્શાવ્યો હોય. આ પહેલા પણ તેમણે કોર્ટમાં સજાગતા જાળવવા બદલ વકીલોને ઘણી વખત ઠપકો આપ્યો હતો.

‘આ કોફી શોપ નથી’

થોડા દિવસો પહેલા જ્યારે એક વકીલે સુનાવણી દરમિયાન ‘યાહ’ શબ્દનો ઉપયોગ કર્યો, ત્યારે તેને પણ ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે દ્વારા ફટકારવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ કોફી શોપ નથી! આ શું છે યાહ…યાહ… મને આની ખૂબ જ એલર્જી છે.’ ઈલેક્ટોરલ બોન્ડ પર સુનાવણી દરમિયાન પણ તેમણે વકીલ દ્વારા ઊંચા અવાજમાં બોલવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *