બનાવટી કન્શેશન પાસ ઇસ્યુ કરી પૈસા ખિસ્સામાં નાખી દેતો હોવાની રાવ સાથે ડેપો મેનેજરે ફરિયાદ નોંધાવી
Dhrol,23
ધ્રોલ એસટી બસ ડેપોના કંડકટર વિરુદ્ધ ડેપો મેનેજરે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. કંડક્ટર શૈલેષ સંઘાણી બસના બનાવટી કન્શેશન પાસ બનાવી નાણાં ખિસ્સામાં નાખી ભ્રસ્ટાચાર કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતો હોય તેવી ફરિયાદ ખુદ ડેપો મેનેજરે નોંધાવી છે.
ધ્રોલ પોલીસ મથકમાં કંડકટર શૈલેષ ગોવિંદભાઇ સંઘાણી વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૬(૫) ૩૧૬(૨) ૩૩૬(૨) ૩૩૮ ૩૪૦(૨) ૨૩૮ મુજબ નોંધાયેલા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરોપી પોતાની સરકારી ફરજ દરમ્યાન ધ્રોલ ડેપોમાથી કન્શેશન પાસ કાઢવાના કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન પાસ કાઢવાની સીસ્ટમમાથી પાસ કાઢી, તેના નાણા એસટી નીગમમાં જમા કરાવવાના હોય જેના બદલે આ આરોપીએ એસટી નીગમ તથા રાજ્ય સરકારે આપેલ સત્તાનો ગેરઉપયોગ કરી તે જ પ્રકારનો મુસાફર કન્શેશન પાસ બનાવી, કોમ્યુટરની વર્ડ ફાઈલમાથી બોગસ અને ખોટો બનાવટી કન્શેશન પાસ તૈયાર કરી તેને ખરા પાસ તરીકે વાપરવા આપી મુસાફર પાસેથી પાસ પેટે રૂ. ૧૮૦૦ લઈ પોતાના ખિસ્સામાં નાખી દેતો હોય તેવી ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત બનાવટી પાસ પોતાના કોમ્પ્યુટરની વર્ડ ફાઇલમાંથી ડીલીટ કરી પુરાવાનો નાશ કરી દેતો હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ધ્રોલ એસ.ટી.ડેપોના મેનેજર રફીકભાઈ અમીનભાઈ શેખએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ધ્રોલ ડેપોમાં મુસાફર પાસ, વિધાર્થી પાસ તથા ઓનલાઇન બૂકીંગની કામગીરી છેલ્લા પંદરેક વર્ષથી એસ.ટી. કંડકટર શૈલેશભાઈ ગોવિંદભાઇ સંઘાણી બેજ નં.૩૪૮૭ને સોંપવામાં આવેલ હતી. ગત તા. ૧૮/૦૭/૨૦૨૪ ના રોજ જામનગર એસ.ટી.વીભાગની લાઈન ચેકીંગ/ સુરક્ષા શાખાની ટીમ દ્વારા સંયુક્ત ચેકીંગ કામગીરી દરમ્યાન ધ્રોલ તાલુકાના ભેસદળ ચોકડી પાસે મોરબી ડેપોની લોકલ એસ.ટી.બસમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં મોરબીથી બેસેલ મુસાફર ભેચરભાઈ રઘુભાઈ સાવરીયા જેનુ મુસાફર ઓળખપત્ર કે જે ધ્રોલ ડેપો ખાતેથી તા. ૧૭/૦૯/૨૦૧૮ ના રોજ કોમ્પ્યુટર સીસ્ટમ મારફત પાસની કામગીરી કરનાર કંડકટર શૈલેશભાઈ ગોવીંદભાઈ સંઘાણીના આઇ. ડી. પાસવર્ડ ઉપરથી એસ.ટી.નો નીયત ચાર્જ વસુલી અધિકૃત રીતે ઓળખપત્ર ઇસ્યુ કરવામાં આવેલ હતું. તેમજ રોજિંદા મુસાફરી માટેનો કન્સેશન પાસ કે જેની વેલીડીટી તારીખ ૧૭/૦૭/૨૦૨૪ થી તારીખ ૧૫/૦૮/૨૦૨૪૨૦૨૪ની હોય જે પાસે સંભવત તા. ૧૫/૦૭/૨૦૨૪ના રોજ ઇસ્યુ થયેલ હોય, પાસમાં યુસરનેમ તથા પાસવર્ડ ન હોય જેથી પ્રાથમીક દ્રષ્ટીએ શંકા ગઈ હતી.
જે બાદ શૈલેષ સંઘાણીના મોબાઈલમાંથી આ પાસની ખરાઈ કરવામાં આવતા પાસ અન્ય કોઈ વ્યક્તિના નામે રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. જેથી શૈલેષ સંઘાણીની પૂછપરછ કરતા તેણે આ બોગસ પાસ ઉભો કરી આર્થિક લાભ મેળવ્યાની કેફીયત આપતાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.