Surat,તા.૮
સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેમાં ડિવાઈડર કૂદીને પૂર ઝડપે આવી રહેલ કારે ૫ વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે કારની અડફેટે આવેલા ૨ લોકોના મોત નિપજ્યા હતા. લસકાણા વાલક અબ્રામ રિંગરોડ પર આ ઘટના બનવા પામી હતી. કારમાં ચાર લોકો હતા. જેમાં એક યુવતી અને ત્રણ યુવાનોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતનાં આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલ હિટ એન્ડ રનમાં કાર નં. જી.જે.૦૫ આરએફ ૦૩૧૭ નાં ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂડીને રોડની અન્ય તરફ પહોંચી જતા અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. તેમાં કાર ચાલકે સામેથી આવી રહેલ કુલ પાંચથી છ જેટલા લોકોને અડફેટે લીધા હતા.
મૃતકોના નામ આ ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉ.વર્ષ. ૪૨) અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા (ઉ.વર્ષ.૪૮) ને સારવાર મળે તે પહેલા જ મોત થવા પામ્યું હતું. જ્યારે અન્ચ ચાર ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોઈ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.