પરિચિતો અને મિત્રોને કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી છેતરપિંડી કરી
Vadodara,તા.૨૧
વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ૩ કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો.
માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી ઓળખાણ આપતા વિશાલ જયંતીભાઈ ઠક્કર (મેપલ મીડોઝ, રિલાયન્સ મોલ પાસે, જુના પાદરા રોડ અને વેદાંત વિશ્રામ એપાર્ટમેન્ટ, જાંબુઆ, વડોદરા મૂળ રહે.ઉમંગ નગર ૧૫૦ રીંગરોડ,રાજકોટ) નામના ઠગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
ગ્રાહકો પાસે ગોલ્ડ લઈ જઈ પાંચ દિવસમાં લોન મળી જશે તેમ કહી કોરા ફોર્મ પર તેમજ સહીઓ લેનાર ઠગ લોનની રકમ જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લેતો હતો.
ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર વિશાલ ઠક્કરનું સાચું નામ રવિ જયંતીભાઈ પેશાવરીયા (રાજકોટ) હતું. રાજકોટમાં જુના વાહનો નવા છે તેમ કહી લોકો સાથે ઠગાઈ કરતા રવિ સામે કેસ થયા હતા. જેને કારણે તેને લોન મળે તેમ નહીં હોવાથી ખંભાત આવી ગયો હતો અને ત્યાંથી વડોદરા રહેવા આવ્યો હતો. વડોદરામાં પણ તેણે જુના પાદરા રોડ તેમજ જાંબુઆ મકરપુરામાં બે સ્થળે સરનામા બદલ્યા હતા.
ઠગ વિશાલ ઉર્ફે રવિ એ એક મહિલા તેમજ અન્ય પરિચિતો પાસે ગોલ્ડ લોનના નાના મે ત્રણ કિલોથી વધુ સોનુ પડાવી લીધું હતું અને આ લોન ની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ ઉપરાંત મહિલા ને હાઉસિંગ લોન અપાવવાના નામે ૨૪ લાખ તેમજ તેના પતિની દુકાન પર ૧૦ લાખની લોન લઈ કુલ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ઠગે તેને એક ઓળખીતાને ફોન કરી મારે ગોલ્ડ લોનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે તેમ કહી ૨૩ તોલા સોનુ પડાવી લીધું હતું. જ્યારે આવી જ રીતે અન્ય એક ઓળખીતા પાસે ૩૦ તોલા સોનું પડાવી લીધું હતું. આ રમો તેણે જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ ઉપાડી લીધી હતી.
લાંબા સમયથી ફરાર થઈ ગયેલા વિશાલ ઉર્ફે રવિ ઠક્કરને શોધવા માટે વડોદરા પોલીસ કામે લાગી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને તેના વિશે માહિતી મળતા જાંબુવા વિસ્તારમાં વોચ રાખી કારમાં પસાર થતો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો.