Canada :તા.05
કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે ટ્રુડો સરકાર એક્શનમાં આવી છે. જેમાં પીલ પોલીસે જણાવ્યું હતું કે, બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર કરવામાં આવેલા હુમલા મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેનેડામાં હિન્દુ એકતાનું પ્રદર્શન
જોકે, હાલમાં ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. હુમલા બાદ કેનેડામાં રહેતા હિન્દુઓ પણ એકતાનું પ્રદર્શન કરી રહ્યા છે. કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરની બહાર ભારતીયોએ ‘બાટોગે તો કટોગે’ ના નારા લગાવ્યા હતા અને ભારતીયોને એક થવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી
ભારત અને કેનેડા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં હિંદુઓ પર હુમલો થયા બાદ ટ્રુડો સરકારની ચોતરફ ટીકા થઈ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું છે કે, ‘હું કેનેડામાં હિંદુ મંદિર જાણીજોઈને કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા અને ધમકાવવાનો કાયરતાપૂર્વક પ્રયાસ પણ તેટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતને ક્યારે નબળો નહી પાડી શકે. અમે કેનેડા સરકાર સમક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા તેમજ કાયદો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.’
શું હતી ઘટના?
કેનેડામાં ફરી એક વખત હિન્દુ મંદિર પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાનીઓએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. હિન્દુ ફોરમ કેનેડાએ એક્સ હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો જેમાં ખાલિસ્તાની હાથમાં પીળા ઝંડા લઇને મંદિર પરિસરમાં હંગામો કરતા જોવા મળતા હતા. આ ઘટનાને લઇને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનામાં 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.