Canada,તા.05
કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે. તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો. હરિન્દર સોહી પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે કાર્યરત હતો.
કોમ્યુનિટી સેફ્ટી એન્ડ પોલીસિંગ એક્ટનું ઉલ્લંઘન
પીલ રિજનલ પોલીસના જણાવ્યાનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઑફ-ડ્યુટી પોલીસકર્મી હિન્દુ સભા મંદિરની બહાર પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લેતો જોવા મળ્યો હતો. આ પોલીસકર્મીને કોમ્યુનિટી સેફ્ટી એન્ડ પોલીસિંગ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસ આ ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યું છે અને તપાસ પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરશે.
કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલા વચ્ચે આ ઘટના પ્રકાશમાં આવી છે. ખાલિસ્તાની ઝંડા લઈને આવેલા ગુસ્સે થયેલા દેખાવકારોની મંદિરમાં હિન્દુ સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, ખાલિસ્તાનીઓ મંદિરની બહાર ધ્વજ પર લટકેલી લાકડીઓ વડે હિંદુઓ પર હુમલો કરતા જોઈ શકાય છે.
કેનેડામાં હિંદુઓ પર થયેલા હુમલા મુદ્દે PM મોદીની પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે, ભારત અને કેનેડા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેનેડામાં હિન્દુઓ પર હુમલો થયા બાદ ટ્રુડો સરકારની ચોતરફ ટીકા થઈ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, ‘હું કેનેડામાં હિન્દુ મંદિર જાણીજોઈને કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા અને ધમકાવવાનો કાયરતાપૂર્વક પ્રયાસ પણ તેટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતને ક્યારે નબળો નહી પાડી શકે. અમે કેનેડા સરકાર સમક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા તેમજ કાયદો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.’