New Delhi,તા.૨
કેનેડામાં રહેતા ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓએ આગામી વર્ષે કેનેડા છોડવું પડી શકે છે. કેનેડાની ટ્રૂડો સરકારના એક નિર્ણયને પગલે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલે છે. ટ્રૂડો પ્રવાસીઓને લઈને ખુબ કડકાઈ વર્તી રહ્યા છે. વર્ષ ૨૦૨૫માં ૫૦ લાખ અસ્થાયી પરમિટ ખતમ થઈ રહી છે. જેમાંથી ૭ લાખ પરમિટ વિદ્યાર્થીઓના છે અને કડકાઈના પગલે આ વિદ્યાર્થીઓને ફીથી પરમિટ મળવામાં સમસ્યા થઈ શકે છે.
કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટ ખતમ થયા બાદ મોટાભાગના પ્રવાસી કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ અઠવાડિયાની શરૂઆતમાં જાણકારી આપી હતી કે જે ૫૦ લાખ પરમિટ ખતમ થઈ રહી છે તેમાંથી ૭ લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓના છે જે હાલમાં જ ટ્રૂડો સરકારના પ્રવાસી વિરોધી નીતિઓના કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.
મિલરે કહ્યું કે તમામ અસ્થાયી પ્રવાસીઓએ જવાની જરૂર નહીં પડે. કેટલાકને નવી પરમિટ કે પોસ્ટગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના પ્રવાસી વિભાગના આંકડાઓ મુજબ મે ૨૦૨૩ સુધી ૧૦ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી ૩,૯૬,૨૩૫ પાસે ૨૦૨૩ના અંત સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી. પરંતુ કેનેડા હવે આ પરમિટ આપવામાં ખુબ કડકાઈ વર્તી રહ્યું છે. તેના કારણે કેનેડાએ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં ૩૫%ની કમી કરી દીધી હતી. હવે ટ્રૂડો સરકારે ૨૦૨૫માં તેમાં ૧૦% ની વધુ કમી કરવાની યોજના કરી છે.