Canada,તા.07
કેનેડાએ ભારતના વાણિજ્ય દૂતાવાસને સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો છે. ત્યારબાદ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કેટલાક અગાઉ નિર્ધારિત દૂતાવાસ કેમ્પને રદ કરવાની જાહેરાત કરી હતી. દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘કેનેડિયન સુરક્ષા અધિકારીઓએ લઘુત્તમ સુરક્ષા પ્રદાન કરવામાં અસમર્થતા દર્શાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.’
બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરની બહાર ભારતીયો પર હુમલો
કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરની બહાર ભારત વિરોધી ઉગ્રવાદીઓએ હિંસા ફેલાવી હતી. અહીં વાણિજ્ય દૂતાવાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉગ્રવાદીઓએ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી અને કેનેડા સમક્ષ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો અને તમામ મંદિરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુદ્દો ઊઠાવ્યો હતો.
ભારતીય દૂતાવાસને સુરક્ષા મળી નથી
ઓટાવામાં ભારતના હાઈ કમિશન અને વાનકુવર અને ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જીવન પ્રમાણપત્રના લાભાર્થીઓના લાભ અને સુવિધા માટે દૂતાવાસ કેમ્પનું આયોજન કર્યું હતું. કેનેડાની હાલની સુરક્ષા ચિંતાઓના આધારે, કેનેડિયન સત્તાવાળાઓને દૂતાવાસ કેમ્પની આસપાસ મજબૂત સુરક્ષા પ્રદાન કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. જો કે, કેનેડાએ સુરક્ષા પ્રદાન કરવામાં અસમર્થતા દર્શાવી હતી. આ પછી આ કેમ્પ રદ કરાયો.