Maharashtra માં હત્યાના આરોપી સાથે સંકળાયેલા કેબીનેટ મંત્રી ધનંજય મુંડેનું રાજીનામુ

Share:

Maharashtra,તા,04

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય મુંડેએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ધનંજય મુંડેનું રાજીનામું લઈને તેમના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસ પર પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ધનંજય મુંડેએ મને રાજીનામું આપી દીધું છે. મેં રાજીનામાનો સ્વીકાર કર્યો છે. આગાળની કાર્યવાહી માટે રાજ્યપાલ પાસે રાજીનામું મોકલી દીધું છે.

ધનંજય મુંડેના નજીકના સહયોગી વાલ્મિકી કરાડને સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં આરોપી બનાવવાની પૃષ્ઠભૂમિમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદેથી રાજીનામું આપવા માટે કહ્યું હતું.

નાયબમુખ્યમંત્રી અજિત પવારે સોમવાર રાતે ફડણવીસ સાથે મુલાકાત કરી અને દેશમુખ હત્યા મામલામાં સીઆઈડી તરફથી દાખલ આરોપપત્ર તથા બે અન્ય સંબંધિત કેસના પરિણામ પર ચર્ચા કરી, જેમાં કરાડને આરોપી નંબર એક બનાવ્યા છે, એક સૂત્રે જણાવ્યું હતું કે, ફડણવીસે ધનંજય મુંડેને આજે મંત્રી પદેથી રાજીનામું આપવા કહ્યું હતું.

રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રહી ચુકેલા ધનંજય મુંડે બીડ જિલ્લાના પરલીથી NCP  ધારાસભ્ય છે. અગાઉ તેઓ બીડના સંરક્ષક મંત્રી હતા. હાલમાં, NCP વડા અજિત પવાર પુણે તેમજ બીડ જિલ્લાના સંરક્ષક મંત્રી છે.

બીડના મસાજોગ ગામના સરપંચ દેશમુખનું ગયા વર્ષે 9 ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું, ત્રાસ આપવામાં આવ્યો હતો અને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેમણે જિલ્લામાં એક વીજ કંપનીને નિશાન બનાવીને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

27 ફેબ્રુઆરીના રોજ, CID એ દેશમુખની હત્યા અને બે સંબંધિત કેસોમાં બીડ જિલ્લાની એક કોર્ટમાં 1,200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. બીડના કેજ પોલીસ સ્ટેશનમાં સરપંચની હત્યા, અવડા કંપની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ અને કંપનીના સુરક્ષા ગાર્ડ પર હુમલાના ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે MCOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક આરોપી હજુ પણ ફરાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *