Bumrah તારા માટે કયો બેટર છે સૌથી ખતરનાક?

Share:

New Delhi,તા.30

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ તેના સચોટ યોર્કર્સ અને શાનદાર બોલિંગ માટે જાણીતો છે. હાલમાં એક ઈવેન્ટ દરમિયાન જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યું કે, એવો કયો બેટર છે, કે જેની સામે તને બોલિંગ કરવી સૌથી મુશ્કેલ લાગે છે? તેણે આ સવાલનો એવો જવાબ આપ્યો કે જેનાથી તેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

દુનિયામાં કોઈ એવું નથી કે જે મને રોકી શકે

સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલા એક વિડીયોમાં બુમરાહે જણાવ્યું હતું કે, ‘હું આ સવાલનો એક સારો જવાબ આપવા માંગુ છું, પણ હકીકતમાં હું નથી ઈચ્છતો કે કોઈ મારા મન પર હાવી થઇ જાય, કારણ કે હું બધાનું સન્માન કરું છું, પણ મારા મનમાં હું મારી જાતને કહું છું કે જો હું મારું કામ બરાબર કરું છું તો દુનિયામાં કોઈ એવું નથી કે જે મને રોકી શકે છે. તેથી હું પ્રતિસ્પર્ધીને જોવાને બદલે મારી જાતને જોઉં છું, તેથી જો મને એવું લાગે કે દરેક વસ્તુ પર મારું નિયંત્રણ છે અને જો હું પોતાને શ્રેષ્ઠ તક આપી શકું છું, તો બાકીનું બધું પોતાની રીતે જ થઇ જશે. બેટર પાસે એવી શક્તિ છે કે તે મારાથી પણ સારું પ્રદર્શન કરી શકે છે, તેથી હું એવું નથી ઈચ્છતો.’

વર્ષ 2016માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ બુમરાહે ડેબ્યૂ કરી પોતાની કિલર બોલિંગના આધારે ભારતીય ક્રિકેટમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું છે. હાલમાં તે ભારતીય ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ બોલરમાંનો એક બોલર છે. ફોર્મેટ ગમે તે હોય તે હંમેશા પોતાની બોલિંગ દ્વારા ટીમને જીત અપાવવામાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપતો રહ્યો છે.

તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડકપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં બુમરાહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પૂરી ટુર્નામેન્ટમાં 15 વિકેટ ઝડપી હતી, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલ મેચમાં તેણે છેલ્લી બે ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. પૂરા વર્લ્ડકપમાં તેણે કરેલા શાનદાર દેખાવ માટે તેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *