Haryana, તા.22
હરિયાણાના અંબાલામાં ખૂબ દર્દનાક ઘટના સામે આવી છે. ત્યાં સેનાના એક રિટાયર્ડ સુબેદારે પોતાના જ પરિવારના પાંચ લોકોની કથિત રીતે હત્યા કરી દીધી. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. જાણકારી અનુસાર ઘટના રવિવારે રાતની છે. મૃતકોની ઓળખ 65 વર્ષની માતા સરોપી દેવી, 35 વર્ષના ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપનું નામ ભૂષણ કુમાર છે. તેણે મોડી રાત્રે સૌથી પહેલા તીક્ષ્ણ હથિયારથી ભાઈ પર હુમલો કર્યો. તે બાદ તેણે એક-એક કરીને સમગ્ર પરિવારને ખતમ કરી દીધો. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો. ભૂષણે પોતાના પિતા અને ભાઈ હરીશની મોટી પુત્રી પર પણ હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જોતાં લાગે છે કે બંને ભાઈઓમાં જમીનને લઈને વિવાદ હતો. નારાયણગઢના રાતૌરમાં એક જમીન હતી જેની પર બંનેનો દાવો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આરોપી ભૂષણ કુમાર હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે તેની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.