લોન ભરપાઈ થયા બાદ દસ્તાવેજ પરત નહિ કરી આપનાર સાળા સામે બનેવીએ કોર્ટમાં દાદ માંગી ‘તી
Rajkot,તા.18
રાજકોટમાં સાળા બનેવીના સંબંધોને કારણે મોર્ગેજ લોન માટે બનેવીએ સાળાના નામે કરી આપેલા રજિસ્ટર્ડ દસ્તાવેજ લોન ભરપાઈ થયા બાદ પાછા દસ્તાવેજ નહિ કરનાર સાળા સામે બનેવીના દસ્તાવેજ રદ કરવાના સિવિલ દાવામાં અદાલતે સાળા પરિવારને કોર્ટમાં હાજર થવા નોટિસ ઇસ્યુ કરી છે.આ કેસની હકીકત મુજબ, રાજકોટના સોરઠીયાવાડી ચોક પાસે આવેલ કોઠારીયા કોલોનીના કવાર્ટર નં. ૨૯૫માં રહેતા ચંદ્રેશભાઈ હરગોવિંદભાઈ રાજપુરાને પોતાના નામે લોન મળતી ન હોવાથી લોન લેવા માટે પોતાનું મકાન હાલ જે રહે છે તે કવાર્ટર નં. ૨૯૫વાળું મકાન તેમના સગા સાળા જયેશભાઈ પરસોતમભાઈ ઉંડવીયા અને તેમના પત્ની મિતલબેન જયેશભાઈ ઉંડવીયા (બંન્ને રહેઃ વર્ધમાન એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, કેવડાવાડી, શેરી નં. ૩/૧૪ કોર્નર, રાજકોટ)ને સંબંધના નાતે અને સાળા-બનેવીના વિશ્વાસે વેંચાણ દસ્તાવેજ મિતલબેનના નામે કરેલ હતો. અને તે મકાન ઉપર ૧૫ લાખની મોર્ગેજ લોન લઈ ચંદ્રેશભાઈ રાજપુરાને તે રકમ આપેલી હતી, તે તમામ લોનના હપ્તા ચંદ્દેશભાઈ રાજપુરા ભરતા હતા અને છેલ્લે બાકી રહેતી તમામ લોનની રકમ ચંદ્રેશભાઈ રાજપુરાએ ભરી દીધા બાદ તેમના સાળાને પાછો વેંચાણ દસ્તાવેજ કરવાનું કહેવા છતાં કરી આપતા ન હોય તેથી તે મકાન પચાવી પાડવાનો ઈરાદો ધરાવતા હોય તેવું લાગે છે. આમ ચંદ્રેશભાઈ રાજપુરાએ લોન ભરપાઈ કર્યા બાદ તેમના સાળા તે મકાનનો દસ્તાવેજ કરી આપતા ન હોય સાળા-બનેવી વચ્ચે વિશ્વાસઘાત થયેલ હોય તેથી તેઓએ તેમના સાળા જયેશ પરસોતમભાઈ ઉંડવીયા અને તેમના પત્ની મિતલબેન જયેશભાઈ ઉંડવિયા સામે વેંચાણ દસ્તાવેજ રદ કરવા અંગેનો રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા તેઓને કોર્ટમાં હાજર થવા અંગેની નોટિસ ઈસ્યુ કરેલ છે. આ કામમાં વાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયા છે.