Patna,તા.21
માત્ર બ્રેથ એનલાઈઝર ટેસ્ટના આધારે કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે એવું ના કહી શકાય તેમ પટણા હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું. હાઈકોર્ટના જણાવ્યાં અનુસાર, બ્રેથ એનલાઈઝર ટેસ્ટ એ કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ તે પુરવાર કરવાનો એકમાત્ર નિર્ણાયક પુરાવો નથી.
બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝ એક્ટ, 2016 અંતર્ગત માત્ર બ્રેથ એનલાઈઝર ટેસ્ટના રિપોર્ટના આધારે ફોજદારી કાર્યવાહી ના કરી શકાય અને માત્ર તેના આધારે દાખલ કરાયેલી એફઆઈઆર અમાન્ય ગણાય તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
જસ્ટિસ બિબેક ચૌધરીની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં સત્તાવાળાઓએ સુપ્રીમ કોર્ટના નિરીક્ષણોને ધ્યાનમાં લીધાં વગર બ્રેથ એનલાઈઝર રિપોર્ટના આધારે એફઆઈઆર નોંધી છે, જેને અંતિમ પુરાવો ના કહી શકાય.
કોર્ટે આ કેસમાં બચુભાઈ હસનઅલી કરયાણી વિ. મહારાષ્ટ્ર રાજ્ય (1971) ના કેસનો સંદર્ભ ટાંક્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માત્ર આલ્કોહોલની ગંધ, લથડાતી ચાલ, બોલવામાં લોચા મારવા, આંખો ઢળી. પડવી જેવા લક્ષણોને આધારે જ શરાબ પીધો છે તે નક્કી ના કરવું જોઈએ. આ માટે નિર્ણાયક તબીબી તપાસ ફરજિયાત કરાવવી જોઈએ.
બિહાર સરકારના નાણાં વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ તેમની વિરૂધ્ધ એક્સાઈઝ પોલીસ સ્ટેશન દ્વારા બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝ એક્ટ, 2016 હેઠળ દાખલ કરાયેલા કેસને રદ્દ કરવા કરાયેલી ફોજદારી અરજીની સુનાવણી દરમિયાન બેન્ચે ઉપરોક્ત નિરીક્ષણો રજૂ કર્યાં હતાં.
કેસની વિગતો અનુસાર, મે, 2024માં એક્સાઈઝ ટીમે અરજદાર અધિકારીનો બ્રેથ એનલાઈઝર ટેસ્ટ કર્યો હતો. જેમાં રિપોર્ટમાં તેમના લોહીમાં આલ્કોહોલનું 41 mg/100 ml જેટલું પ્રમાણ મળી આવ્યું હતું. જેને પગલે તેમની ધરપકડ કરી તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ હતી.
આ કેસમાં એક્સાઈઝ પોલીસે માત્ર બ્રેથ ટેસ્ટ પર જ આધાર રાખ્યો હતો અને આરોપીના લોહી કે યુરિનનો ટેસ્ટ કરાવ્યો નહોતો. અરજદારે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, બ્રેથ ટેસ્ટ એ શરાબ સેવનનો નિર્ણાયક પુરાવો નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમણે હોમિયોપેથી સારવાર હેઠળ નિર્દેશ કરાયેલ માત્રામાં શરાબનું સેવન કર્યું હતું. કદાચ આ કારણે જ બ્રેથ એનલાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. જોકે આ શક્યતાની ખાતરી કરવા માટે અન્ય કોઈ તબીબી તપાસ કરાઈ નહોતી.