શાળાના જ શિક્ષક ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે શાળામાં પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે
Botad ,તા.૧
બોટાદ શહેરની શાળા નંબર ૨૦માં ચાલી રહેલા કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં શાળાના જ વિદ્યાસહાયક શિક્ષક ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે શાળામાં પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે અને આ માટે ક્લાસરૂમના કેમેરા હટાવીને પરિસરમાં મૂકવામાં આવે છે.
વિદ્યાસહાયક શિક્ષકે આક્ષેપ કર્યો છે કે આ કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે અને શાળામાં શૈક્ષણિક વાતાવરણ બગડી રહ્યું છે. તેમણે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદ કરી છે.
આ બાબતે શાળાના આચાર્ય ચેતનભાઈ ગોહિલે કેમેરા મૂકવાના નિર્ણયનો બચાવ કર્યો છે. જોકે, વિદ્યાસહાયક શિક્ષકના આક્ષેપોએ શાળામાં અને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. આ ગંભીર આરોપો બાદ શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ ઉઠી છે.આ મામલો માત્ર એક શાળા સુધી મર્યાદિત નથી, પરંતુ આખા શિક્ષણતંત્ર પર સવાલ ઉઠાવે છે. શું આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં પણ બની રહી છે આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ શાળામાં ચાલી રહેલા કથિત અનિયમિતતાઓ અંગે તપાસ કરવાની માંગ કરી છે. શિક્ષણ વિભાગ આ મામલે કેટલી ગંભીરતાથી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.