વિપક્ષનો પડકાર ઝીલવા BJP બનાવ્યો નવો પ્લાન, 4 રાજ્યોની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ

Share:

Maharashtra Haryana,તા,12

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અંગે પણ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ અને હોમ મિનિસ્ટ્રી વચ્ચે સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી સમીક્ષા ચાલી રહી છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે કાશ્મીરમાં પણ ચૂંટણીનું એલાન થઈ શકે છે. આ વચ્ચે ભાજપે અત્યારથી જ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં સુધી કે, પાર્ટી ઝારખંડમાં પણ સક્રિય છે, જ્યાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે પણ બેઠકો શરૂ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં રવિવારે પ્રદેશ કારોબારીની ચૂંટણી બેઠક હતી. તેમાં સહ-સંગઠન મહામંત્રી શિવપ્રકાશ પણ હાજર હતા.

વિપક્ષનો પડકાર ઝીલવા ભાજપે બનાવ્યો નવો પ્લાન

હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન સરકાર ચલાવી રહી છે અને હરિયાણામાં પોતાના દમ પર છે. બીજી તરફ ઝારખંડમાં હાલમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની ગઠબંધન સરકાર છે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પાર્ટી તમામ રાજ્યોમાં વહેલા ઉમેદવાર પસંદ કરી લેવા માગે છે. તેનું કારણ એ છે કે, ચૂંટણી પ્રચાર માટે તક મળે અને પસંદ કરવામાં આવેલા ઉમેદવાર પોતાના વિસ્તારમાં જઈને પોતાની પકડ મજબૂત કરી શકે. આ મુદ્દે મંથન કરવા માટે તમામ રાજ્યોમાં કાર્યકારી સાથે ચૂંટણી પ્રભારીઓ અને સંગઠન મંત્રીઓની મીટિંગ થઈ ચૂકી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે સપ્ટેમ્બરના શરૂઆતના 15 દિવસોમાં જ ચૂંટણીનું એલાન થઈ શકે છે. બીજી તરફ ભાજપ દ્વારા ઓગષ્ટના અંત સુધીમાં ઉમેદવારોની યાદી જારી કરવાનું શરૂ કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં સૌથી પહેલા ઓછામાં ઓછા 35 ઉમેદવારો જાહેર થઈ શકે છે. આ ઉપરાંત હરિયાણામાં પણ 20થી 25 ઉમેદવાર નક્કી થઈ શકે છે. બીજી તરફ ઝારખંડ માટે પણ મંથન ચાલી રહ્યું છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપ એ બેઠકો પર નામનું  એલાન કરશે જ્યાં ગત ચૂંટણીમાં તેને હાર મળી હતી અથવા તો હારનું અંતર ખૂબ જ ઓછું હતું.

SC અને ST અનામત બેઠકો પર ઉમેદવારો પહેલા નક્કી કરવામાં આવશે

આ ઉપરાંત SC અને ST અનામત બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી પણ થોડી વહેલી થઈ શકે છે. તેનું કારણ એ છે કે, લોકસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ વર્ગના મતો I.N.D.I.A. ગઠબંધન તરફ વળ્યા હતા. આવી સ્થિતિમાં ભાજપ માટે આ વર્ગને રીઝવવો પડકારરૂપ બની રહેશે. આવી સ્થિતિમાં પાર્ટી ઈચ્છે છે કે, આવી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી વહેલા કરવામાં આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *